ભારતીય સેના કોઈ પણ ઓપરેશન કરવા માટે ગમે ત્યારે સજ્જ રહી શકે એ માટે કેન્દ્ર સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે. આ યોજના હેઠળ સેનાને માનવરહિત ટેન્કો, એરિયલ વ્હિકલ અને રોબોટિક વેપન્સ પણ આપવામાં આવશે. હાલ ચીન એઆઈમાં આક્રમક રીતે રોકાણ કરી રહ્યું છે.
આ સંજોગોમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ સેના, નૌસેના અને વાયુસેનાને પણ આ પ્રકારની ટેક્નોલોજીથી સજ્જ શસ્ત્રો આપવાનું સરકારે આયોજન કર્યું છે. આ માટે ખાનગી કંપનીઓની મદદથી સેનાની ત્રણેય પાંખ માટે અત્યાધુનિક શસ્ત્રો વિકસાવવામાં આવશે. ભારત પણ વૈશ્વિક સ્તરના મિલિટરી પાવર્સની જેમ એઆઈનો ઉપયોગ કરીને સેનાને તૈયાર કરશે.
ભારતની મજબૂત આઈટી ઈન્ડસ્ટ્રીનો આ યોજનામાં ઉપયોગ કરાશે. સંરક્ષણ સચિવ અજય કુમારે કહ્યું હતું કે, ભારત સરકારે ભવિષ્યની રણભૂમિને ધ્યાનમાં રાખીને એઆઈએમાં રોકાણ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ યોજના માટે સરકારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ પણ બનાવી છે. હવે તેઓ જ સેના અને ખાનગી કંપનીઓના ‘પાર્ટનરશિપ મોડેલ’ની રૃપરેખા તૈયાર કરશે.