અમદાવાદ: ક્લિયર પ્રીમિયમ વોટર પાવર્ડ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના બીજા છેલ્લા દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે કેટલીક રોમાંચક ટેનિસ એક્શન જોવા મળી. જીએસ દિલ્હી એસિસે સિઝનની તેમની સૌથી મોટી જીત નોંધાવી, જ્યારે રાજસ્થાન રેન્જર્સે પણ તેમની મેચ જીતી બીજા સ્થાન પર પહોંચ્યું.
શનિવારે રાજસ્થાન રેન્જર્સ અને ચેન્નાઈ સ્મેશર્સ વચ્ચેની પહેલી મેચ શરૂ થઈ હતી. મહિલા સિંગલ્સ કેટેગરીમાં એકટેરીના કાઝિઓનોવા અને ઇરિના બારાનો સામનો થયો હતો, જેમાં એકટેરીનાએ 13-12થી જીત મેળવીને રેન્જર્સ માટે ટોન સેટ કર્યો હતો. ત્યારબાદ મિક્સ ડબલ્સમાં, એકટેરીના કાઝિઓનોવા અને દક્ષિણેશ્વર સુરેશે ઇરિના બારા અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લી સામે 14-11થી જીત મેળવી.
વિશ્વના 26માં ક્રમાંકિત લુસિયાનો દરડેરીએ પુરુષોની સિંગલ્સમાં ડાલિબોર સ્વર્સીનાને 15-10થી હરાવ્યા. જોકે ડાલિબોર સ્વરસીના અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લીએ લુસિયાનો દરડેરી અને દક્ષિણેશ્વર સુરેશને 14-11 થી હરાવ્યા, રાજસ્થાન રેન્જર્સે 53-47 થી જીત મેળવી.
દિવસની બીજી મેચમાં, ટેબલ-ટોપર્સ જીએસ દિલ્હી એસિસે ગુજરાત પેન્થર્સને હરાવીને પોતાનો પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યો. મહિલા સિંગલ્સમાં સોફિયા કોસ્તૌલાસે ગુજરાતની નુરિયા બ્રાન્કાસિઓને 18-7થી હરાવી. સોફિયા કોસ્તૌલાસે જીવન નેદુન્ચેઝિયાન સાથે મળીને મિક્સ ડબલ્સમાં નુરિયા બ્રાન્કાસિઓ અને અનિરુદ્ધ ચંદ્રશેખરને 14-10 થી હરાવ્યા.
બિલી હેરિસે મેન્સ સિંગલ્સમાં વિશ્વના 42માં ક્રમાંકિત ખેલાડી એલેક્ઝાન્ડર મુલરને 13-12થી હરાવ્યો. બિલી હેરિસ અને જીવન નેદુન્ચેઝિયાને એલેક્ઝાન્ડર મુલર અને અનિરુદ્ધ ચંદ્રશેખરની જોડીને 16-9થી હરાવીને જીએસ દિલ્હી એસિસને 62-38થી જીતવામાં મદદ કરી, આ સાથે જ સિઝનની તેમની આ સૌથી મોટી વિજય છે.
બાકીની બંને મેચોમાં ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનો સામનો યશ મુંબઈ ઇગલ્સ સામે થશે. અને એસજી પાઇપર્સ તેમજ હૈદરાબાદ સ્ટ્રાઇકર્સ પણ ટોચના ચારમાં સ્થાન મેળવવા માટે એકબીજા સામે ટકરાશે.
