પૃથ્વી પર અહીં આવેલું છે હિમલોક, વિશ્વની આ જગ્યાએ પર પડે છે સૌથી વધુ ઠંડી

Rudra
By Rudra 3 Min Read

જો તમને કોઈ પૂછે કે વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ કયુ છે? એટલે તરત જ તમારા મનમાં એન્ટાર્કટિકાનું નામ આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે પૃથ્વી પરની એક એવી જગ્યાની ઓળખ કરી છે, જ્યાંની ઠંડી એન્ટાર્કટિકા કરતાં પણ અનેક ગણી વધારે છે. આ જગ્યા એટલી ઘાતક છે કે, અહીં કોઈ છોડ, કોઈ પ્રાણી કે કોઈ માણસ ટકી શકે નહીં. આ જગ્યા છે ઈસ્ટ એન્ટાર્કટિક પ્લેટુ. આ અત્યંત ઠંડો વિસ્તાર સમુદ્ર સપાટીથી લગભગ 3900થી 4093 મીટરની ઊંચાઈ પર ડોમ આર્ગસ અને ડોમ ફૂજી વચ્ચે સ્થિત છે. આ પહાડી વિસ્તાર દુનિયાથી એટલો અલગ છે કે અહીંના તાપમાનનો રેકોર્ડ કોઈ રિસર્ચ સ્ટેશન પર નહીં, પરંતુ સેટેલાઇટ સેન્સરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે.

સેટેલાઇટ ડેટાનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, શિયાળાની યોગ્ય પરિસ્થિતિઓમાં રિજ એ પર સપાટીનું તાપમાન -93.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે. એટલું જ નહીં, સ્વચ્છ અને સૂકી પરિસ્થિતિઓમાં આ તાપમાન -98 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું થવાનો અંદાજ છે. જોકે સેટેલાઇટ દ્વારા માપવામાં આવેલા આ તાપમાનને વર્લ્ડ મેટિઓરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સત્તાવાર રેકોર્ડ માનવામાં આવતો નથી. WMO હજુ પણ 1983માં એન્ટાર્કટિકામાં આવેલા વોસ્ટોક રિસર્ચ સ્ટેશન પર નોંધાયેલા -89.2 ડિગ્રી સેલ્સિયસને પૃથ્વી પર માપવામાં આવેલું સૌથી ઠંડું તાપમાન નોંધાયું છે.

જોકે, 4000 મીટરની ઊંચાઈએ હવા પાતળી અને સૂકી હોય છે, જે ગરમીને પકડી શકતી નથી. તેથી પૃથ્વીની કોઈપણ ગરમી ઝડપથી અંતરિક્ષમાં ફેલાઈ જાય છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. ઈસ્ટ એન્ટાર્કટિકાના અંદરના ભાગમાં લાંબા શિયાળા દરમિયાન ભાગ્યે જ વાદળો જોવા મળે છે. વાદળો ગરમીને પૃથ્વી તરફ પાછી વાળવાનું કામ કરે છે, જેના અભાવે પૃથ્વીની ગરમી વાતાવરણમાં ગુમ થઈ જાય છે. આ વિસ્તારમાં હવા લગભગ સ્થિર રહે છે. શાંત હવાને કારણે ગાઢ, ઠંડી હવા જામી જાય છે અને નાના ખાડાઓમાં ફસાઈ જાય છે, જે ઠંડીને વધારે છે.

અહીંની બર્ફીલી સપાટી હોવા છતાં આ વિસ્તાર પૃથ્વીના સૌથી સૂકા રણપ્રદેશોમાંથી એક છે. અહીં દર વર્ષે માત્ર એકથી ત્રણ સેન્ટિમીટર જેટલી જ બરફવર્ષા થાય છે. સૂકી હવા ઇન્સ્યુલેશનનું કામ કરે છે અને રેડિએટિવ કૂલિંગને વધુ વેગ આપે છે. આ ભારે ઠંડી, સૂકાપણું, પાતળું વાતાવરણ અને છ મહિનાની અંધારી રાતો આ વિસ્તારને જીવન માટે અયોગ્ય બનાવે છે. દરિયાકાંઠાના એન્ટાર્કટિકાની જેમ, જ્યાં પેંગ્વિન, સીલ (જળચર પ્રાણી) અને શેવાળ (લીલ) જીવી શકે, પૂર્વ એન્ટાર્કટિક ઉચ્ચપ્રદેશમાં કોઈ પ્રાણી કે વનસ્પતિ જોવા મળતું નથી.

Share This Article