ક્રિસમસ પર આવી રહી છે ગુજરાતી કોમેડી ફિલ્મ ‘વંદે ભારત વાયા યુ.એસ.એ.’

Rudra
By Rudra 2 Min Read

મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘વંદે ભારત વાયા યુ. એસ. એ.’ 25મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આસમાન પ્રોડક્શન્‍સ, સાકે સ્પેક્ટેકલ ,દરિયો, વર્ડ વિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. અને સ્પેસટાઇમ મૂવિઝ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અત્યારે ગુજરાતી સિનેમાએ વિશ્વભરમાં ડંકો વગાડી દીધો છે. ‘લાલો’ ફિલ્મની અધધધ 100 કરોડની કમાણીએ ગુજરાતી સિનેમાનો ખભો એક વેંત ઊંચો કરી દીધો છે. હવે અન્ય રીજનલ સિનેમાની જેમ ગુજરાતી ફિલ્મો પણ 100 કરોડની કમાણી કરી શકે છે તેવો વિશ્વાસ ગુજરાતી ઑડિયન્સ અને મેકર્સમાં આવ્યો છે.

આ જ ઑડિયન્સનો વિશ્વાસ વધુ મજબૂત કરવા અને ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગ સાથે એલેક્સ ભગત, કિશન ધોળિયા, ઋતુજા માને, હિમાંશુ સોલંકી અને વર્ડ વિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટ તેમની નવી ગુજરાતી ફિલ્મ ‘વંદે ભારત વાયા યુ.એસ.એ’ લઈને આવી રહ્યા છે. ફિલ્મની વાર્તા રોહન નામના એક ગુજરાતી જુવાનની છે, જે અમેરિકા આવી તો ગયો છે, પરંતુ હવે પરમનેન્ટ રહેવા માટે તથા ગ્રીન કાર્ડ મેળવવા જાતજાતની તરકીબો કરી રહ્યો છે. વર્ક પરમિટ પૂરી થઈ ગઈ છે અને કોઈ કંપની જોબ આપવા માટે તૈયાર નથી. માટે અમેરિકાની કોઈ છોકરી સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવા પ્રયત્ન કરે છે. હવે આ બધા અજબ-ગજબ પ્રયાસો વચ્ચે તેને ગ્રીન કાર્ડ મળે છે કે રેડ કાર્ડ એ જોવા માટે તમારે ક્રિસમસના દિવસે એટલે કે 25 ડિસેમ્બરે નજીકના થિયેટરની મુલાકાત લેવી પડશે.

‘વંદે ભારત વાયા યુ.એસ.એ’ ફિલ્મમાં રોહનનું પાત્ર અભિનેતા મલ્હાર ઠાકર ભજવે છે. તેમની સાથે પૂજા ઝવેરી, કિલી પિયર્સન તથા અસિત વ્યાસ સહિતના કલાકારોએ કામ કર્યું છે. આસમાન પ્રોડક્શન્‍સ, સાકે સ્પેક્ટેકલ, દ રિયો, વર્ડ વિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. અને સ્પેસટાઇમ મૂવિઝ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સુમધુર સંગીત પાર્થ ભરત ઠકકર દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક જયમીન પટેલ છે. જ્યારે ફિલ્મના એડિટર તેમજ એડીશનલ સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઈટર રાહુલ ભોળે છે.

Share This Article