Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટના 14 વર્ષીય સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માટે વર્ષ 2025 ખૂબ જ શાનદાર રહ્યું. બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવે આઈપીએલમાં ડેબ્યૂ કરતાં જ તોફાની સદી ફટકારીને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ત્યારબાદ તેણે વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો અને ઇમર્જિંગ એશિયા કપ જેવી ટુર્નામેન્ટ્સમાં પોતાની બેટિંગનો જલવો પાથર્યો હતો.
ફેન્સ લાંબા સમયથી તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ જોવા માટે રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે વૈભવે એક ખાસ મામલે વર્ષ 2025માં ભારતીય સ્પોટ્સ ખેલાડી તરીકે વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી બધા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તેણે સાબિત કરી દીધું છે કે, તે આવનારા સમયનો સૌથી મોટો સુપરસ્ટાર છે.
વર્ષ 2025ના ગુગલ ટ્રેન્ડ્સના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીય સ્પોર્ટ્સ ખેલાડીઓમાં વૈભવ સૂર્યવંશી પ્રથમ નંબરે છે. તેના પ્રદર્શન અને લોકપ્રિયતાએ તેને આ વર્ષનો ટોપ સ્પોર્ટ્સ સ્ટાર બનાવી દીધો છે. આ મામલે તેણે વિરાટ-રોહિતને પણ પાછળ છોડી દીધા છે.
વૈભવે 12 વર્ષની ઉંમરે બિહાર માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે વર્લ્ડ ક્રિકેટમાં એક જાણીતું નામ બની ગયો છે. આ યાદીમાં બીજા નંબરે પ્રિયાંશ આર્ય, ત્રીજા પર અભિષેક શર્મા, ચોથા પર શેખ રશીદ અને પાંચમાં નંબરે મહિલા ટીમની સ્ટાર ખેલાડી જેમીમા રોડ્રિગ્સ છે.
વર્ષ 2025માં ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં આઈપીએલ પ્રથમ નંબરે રહ્યું છે. ત્યારબાદ એશિયા કપ, જેમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ ઉપરાંત ICC ચેમ્પિયન્સ ટ્રોફી, પ્રો કબડ્ડી લીગ અને મહિલા વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. વૈભવ અને આઈપીએલના દમદાર પ્રદર્શને વર્ષ 2025ને ક્રિકેટ ફેન્સ માટે યાદગાર બનાવી દીધું છે.
