Indian Rupee Value: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત મુલાકાતે છે. વ્લાદિમીર પુતિનનો ભારતમાં રોકાણનો સમય લગભગ 30 કલાકનો જ રહેશે. રશિયન રાષ્ટ્રપતિ ગઈ કાલે ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરવા એરપોર્ટે ગયા હતા.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રેડ, ટેકનોલોજી, એનર્જી સેક્ટર અને અન્ય ઘણા સેક્ટર્સને લઈને વાતચીત થશે. હાલમાં જ ભારતીય રૂપિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રૂપિયો પહેલીવાર 90 રૂપિયા પ્રતિ ડોલરને પાર ચાલ્યો ગયો છે. રૂપિયાએ ઓલ ટાઈમ લો લેવલને સ્પર્શ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય 100 રૂપિયા રશિયામાં કેટલા થાય છે, એટલે ભારતીય 100 રૂપિયાની વેલ્યુ રશિયામાં કેટલી છે.
100 ભારતીય રૂપિયા રશિયામાં કેટલા થશે?
રશિયાની સત્તાવાર કરન્સી રશિયન રૂબલ છે. જેને RUB પણ કહેવાય છે. જેમ આપણે ત્યાં ભારતીય રૂપિયો છે, તેવી જ રીતે RUB રશિયાની કરન્સી છે. રશિયામાં 100 ભારતીય રૂપિયા કેટલા થાય એ એક્સચેન્જ બજારની સ્થિતિ, વિશ્વમાં તેલ-ગેસના ભાવ, રશિયાનો વેપાર અને લોકો રૂબલ કેટલા ખરીદે-વેચે છે એના પર નિર્ભર હોય છે.
4 ડિસેમ્બર 2025ના આંકડા મુજબ, 1 ભારતીય રૂપિયો લગભગ 0.86 રશિયન રૂબલ બરાબર છે. એટલે જો તમે 100 રૂપિયા રશિયા લઈ જાઓ તો ત્યાં તમને લગભગ 86 રૂબલ મળશે. એટલે તમારા 100 રૂપિયાની વેલ્યૂ રશિયામાં ઘટી જાય છે. નોંધનીય છે કે, વિવિધ દેશોની કરન્સીની વેલ્યૂ અલગ-અલગ હોય છે.
ભારત અને રશિયાની વચ્ચે ટ્રેડ – ભારત અને રશિયા વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે. બંને દેશ એક-બીજા પાસેથી હથિયારોથી માંડીને તેલ-ગેસ સુધીની વસ્તુઓ ખરીદે-વેચે છે. રૂબલ રશિયન ફેડરેશનની કરન્સી છે, જેને સેન્ટ્રલ બેંક ઓફ રશિયા કંટ્રોલ કરે છે અને એ જ બેંક નોટો તથા સિક્કા બહાર પાડે છે.
પાછલા ચાર વર્ષોમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર પાંચ ગણો વધીને 13 અબજ ડોલરથી વધીને 2024-25માં 68 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ભારત-રશિયા 2030 સુધીમાં આ આંકડો 100 અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વેપારી આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલ-ઓગસ્ટ સુધી ભારતની રશિયામાં નિકાસ 1.84 અબજ ડોલરની અને રશિયાથી આયાત 26.45 અબજ ડોલરની થઈ છે.
રશિયા ભારત પાસેથી શું-શું ખરીદે છે?
આપણો દેશ રશિયાની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરે છે. રશિયા મુખ્યત્વે ભારત પાસેથી સસ્તી અને સારી દવાઓ, ખેતીનો સામાન, માછલી-ઝીંગા, તમાકુ, બેકરી અને મીટ પ્રોડક્ટ્સ ખરીદે છે. આ સિવાય રસાયણ, મશીનરી અને ઈલેક્ટ્રોનિક સામન પણ ભારતથી જ મંગાવે છે. તો રશિયા ભારતને સૌથી વધારે એનર્જી સામન, હથિયાર અને કાચો માલ આપે છે, જે આપણા દેશની વીજળી-પાણી, ખેતીવાડી અને સેનાને શક્તિશાળી બનાવે છે.
