અમદાવાદ : વાઘ બકરી ટી ગ્રુપની સામાજીક સેવાકાર્ય સાથે સંકળાયેલી શાખા, વાઘ બકરી ફાઉન્ડેશને ગોધાવી-મણિપુરમાં એક AUDA પ્લોટ પર 5,000+ વૃક્ષો લાવવાના લક્ષ્ય સાથે મિયાવાકી ફોરેસ્ટના વિકાસનું કામ શરૂ કરી દીધું છે. આ કામગીરી ગ્રુપની પર્યાવરણીય સ્થિરતા અને શહેરી વનીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કેચ ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવેલી, વાઘ બકરી ફાઉન્ડેશનની બીજી વૃક્ષારોપણ પહેલના ભાગરૂપે, સોમવારે સાઈટ પર છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાઘ બકરી ગ્રુપના સ્થાપક, નારણદાસ દેસાઈના માનમાં આ ગ્રીન સ્પેસનું નામ શ્રી નારણદાસ દેસાઈ ઉપવન રાખવામાં આવશે.
આ બીજા વૃક્ષારોપણ સમારોહમાં વાઘ બકરી ટી ગ્રુપના અગ્રણીઓ, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રસેશ દેસાઈ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, ડિરેક્ટર પ્રિયમ પરીખ અને વિદિશા દેસાઈ તેમજ સીઈઓ સંજય સિંગલ સહિત મેનેજમેન્ટ ટીમના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ ઔપચારિક રીતે પ્રોજેક્ટની શરૂઆત કરીને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પહેલનો ઉદ્દેશ્ય મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને ગાઢ, ઝડપથી વિકસતા શહેરી જંગલો બનાવવાનો છે. આ પધ્ધતિ, શહેરી વાતાવરણમાં પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા માટે વૈશ્વિક સ્તરે જાણીતી છે. એવી આશા છે કે, એકવાર પરિપક્વ થઈને વિકસિત થયા પછી, આ જંગલ બાયોડાયવર્સિટીમાં વધારો કરશે, હવાની ગુણવત્તામાં સુધારો કરશે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે, સ્થાનિક તાપમાન ઘટાડશે અને ભૂગર્ભજળના રિચાર્જમાં મદદ કરશે.
આ પ્રોજેક્ટ અંગે, વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ, એ શ્રી નારણદાસ દેસાઈના કાયમી વારસાને ભાવાંજલિ છે. તે અર્બન બાયોડાયવર્સિટીને મજબૂત બનાવવા અને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ, હરિયાળું વાતાવરણ આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
આ પ્રોજેક્ટ વાઘ બકરી ફાઉન્ડેશનના 2025-26 માટે CSR પહેલનો એક ભાગ છે અને કેચ ફાઉન્ડેશન સાથે ફાઉન્ડેશનની હાલમાં જારી ભાગીદારી પર આધારિત છે. આ સહયોગ અંતર્ગત, વર્ષ 2023 માં ગાંધીનગરમાં શ્રી પંકજભાઈ ઉપવનનું વિકાસકાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.
