રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC તમામ જિલ્લાઓમાં મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતી અને મહિલાઓના સશક્તીકરણ-રોજગાર માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજ્યમાં ૫૦ નવી કેન્ટીન સહિત ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત કરવામાં આવી છે. સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત આ કેન્ટીન રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને NGO જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પર ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં હાલમાં ‘મંગલમ કેન્ટીન’ થકી ૧,૭૦૦થી વધુ સખી મંડળની મહિલાઓને રોજગારીની તકો મળી છે. રાજ્ય સરકારની આ પહેલથી મહિલાઓને તેમના સંચાલનના સ્તર પર આધારિત દર મહિને રૂ. ૧૦ હજારથી ૫૦ હજાર સુધીની આવક મળી રહી છે. આ આવક મહિલાઓની આર્થિક સ્વતંત્રતા તેમજ તેમના પરિવારના સર્વાંગી ઉત્થાન માટે મહત્વનું યોગદાન બની રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ‘વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન’ પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નેમ અને ડિઝાઇન સાથે ૩૦ નવી ‘મંગલમ કેન્ટીનો’ શરૂ કરવામાં આવશે, જે પૈકી અત્યારસુધીમાં ૨૭ કેન્ટીન કાર્યરત થઈ ચૂકી છે. આ નવી કેન્ટીન પોલીસ વિભાગ, R&B કચેરીઓ, મ્યુનિસિપલ બિલ્ડિંગ્સ અને અન્ય સરકારી સંસ્થાઓ ખાતે પ્રારંભ કરાશે.
ગામડાઓમાં મહિલાઓ ખાસ પ્રસંગો તેમજ વિવિધ કાર્યક્રમો દરમિયાન કેટરિંગની સેવાઓ આપે છે. GLPC દ્વારા આ મહિલાઓની ઓળખ કરી, પ્રોત્સાહન અને માર્ગદર્શન થકી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ બાદ વ્યવસાયિક કેન્ટીન સંચાલન અને કેટરિંગ સેવાઓ માટે ક્ષમતા નિર્માણના સતત પ્રયાસો થકી તેમને સહાયતા પણ પૂરી પાડવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં GLPCએ ‘મંગલમ કેન્ટીન’ નામની બ્રાન્ડ હેઠળ તેમનું પ્રથમ મોડલ ગાંધીનગરના પોલીસ ભવન ખાતે સ્થિત ડિરેક્ટર જનરલ ઓફિસમાં શરૂ કર્યું હતું. જેનું સંચાલન છ સખી મંડળ મહિલાઓ દ્વારા સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યું છે. GLPC અને ગુજરાત પોલીસના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ પહેલ ખૂબ સફળ સાબિત થતાં હવે પોલીસ કમિશનરની કચેરી, અમદાવાદ તેમજ પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર ખાતે પણ ‘મંગલમ કેન્ટીન’ શરૂ કરવામાં આવી છે. સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત સુવિધાસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આ કેન્ટીન આરોગ્ય, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ઉચ્ચ ધોરણોને અનુસરીને પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પૌષ્ટિક ભોજન પૂરું પાડી રહી છે.
