આજથી બે દિવસ વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ, સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 22 અને 23 નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાના-રીરી મહોત્સવ અને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત સમ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ બે દિવસીય કાર્યક્રમાં પ્રથમ દિવસે સાંજે 6.30 વાગ્યે કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને ઇશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે. બીજા દિવસે ડૉ. સુભદ્રા દેસાઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને પાર્થ ઓઝા અને તેમની ટીમ દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે.

ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર થયેલું નામ ‘તાના-રીરી’

ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ તેમના સંગીત પ્રત્યેના સમર્પણથી ગુજરાતના સંગીત ઇતિહાસમાં તેમનું નામ અમર કરી દીધું છે. સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ છેડ્યો ત્યારે તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થઇ હતી જેને મલ્હાર રાગ ગાઇને તાના-રીરીએ શાંત કરી હતી. તેમની કલાના સન્માન ખાતર તેમણે આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે.

Share This Article