બાલાસિનોર:
અમદાવાદઃ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનની હૂંફ શહેરી સિમાડાઓ વટાવી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહી છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં 200 જેટલા બાળકોને ગરમ કપડા વિતરિત કરવામાં આવ્યા. અમદાવાદથી આશરે 100 કિલોમીટર દૂર મહિસાગર જિલ્લાના બાલાસિનોરના પિલોદરા ખાતેની સર્વોદય કેળવણી મંડળ, સરકારી માધ્યમિક શાળામાં ભણતાં 200 જેટલા બાળકોને શિયાળાની ઠંડી સામે રક્ષણ પુરૂં પાડતી સ્ટાઇલિસ્ટ હુડીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ અને ટ્રસ્ટીશ્રીઓએ પણ સક્રિય અભિગમ દાખવ્યો હતો અને ડ્રીમ ફાઉન્ડેશન અને ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશનના આ કાર્યને બિરદાવ્યું હતું.
ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશના સીએસઆર લીડ યુગ ચાવડાએ જણાવ્યું, “આ વર્ષે શિયાળાની શરૂઆત જોરદાર ઠંડી સાથે થઈ છે, ત્યારે પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશન સાથે સહયોગ કરીને આનંદ અનુભવી રહ્યાં છે. બાળકોને સ્વેટર વિતરણ કર્યા બાદ લાગણીઓની હૂંફ, તેજસ્વી સ્મિતને લઈને અમે તમામ વિશેષ રાજીપો અનુભવી રહ્યા હતા.
સ્વેટર એવા બાળકોને વિતરિત કરવામાં આવ્યા છે, જેઓ કૃષિ અને ખેતમજૂરી સાથે સંકળાયેલા પરિવારોમાંથી આવે છે. આમાંના ઘણા બાળકો માટે, મૂળભૂત જરૂરિયાતો પણ એક પડકાર છે, ત્યારે આવી ચળવળો તેમના જીવનમાં સાર્થક ફરક લાવે છે. ડ્રીમ ફાઉન્ડેશન જમીની સ્તરે કામ કરતી સામાજિક સંસ્થા છે અને તેઓ યોગ્ય લોકો સુધી યોગ્ય સંસાધનો યોગ્ય સમયે પહોંચે તેને ખાતરીબદ્ધ કરે છે અને તેથી જ અમે તેમની સાથે પ્રોજેક્ટ હૂંફ સાથે જોડાઈને આનંદ અનુભવી રહ્યા છીએ.”
ડ્રીમ ફાઉન્ડેશન તરફથી કરણ પટેલે જણાવ્યું, “હૂંફ શબ્દ પોતાની સાથે પોતાનાપણાની લાગણીઓને જોડી દે છે. સંસ્થા દર વર્ષે શિયાળાની ઠંડી દરમિયાન પ્રોજેક્ટ હૂંફ થકી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે. અમારો ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ અને આરોગ્યની સવલતો પૂરી પાડવાનો હોવાથી આ વર્ષે અમે શહેરથી દૂર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સુધી પહોંચી પ્રોજેક્ટ હૂંફનો પ્રારંભ કર્યો છે. શિયાળા દરમિયાન ઠંડીથી સામે રક્ષણ આપતી અમારી આ ચળવળને ચલાવતા રહીશું.”
પ્રોજેક્ટ હૂંફનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિયાળના ઠંડીથી બચાવવાનો તેમજ તેમને આરોગ્ય અને શિક્ષણની સવલતો પૂરી પાડવાનો છે. આ કાર્યમાં ડ્રીમ ફાઉન્ડેશન અને ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી 15 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો.
