ગૌશાળા વિકાસ અને ધર્મસેવાના પવિત્ર ઉદ્દેશથી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરાયું

Rudra
By Rudra 3 Min Read

પાટણ જિલ્લાનું અનાવાડા ગામની વૈદિક નદી સરસ્વતીના પવિત્ર તટે ગૌ આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના તેમજ સનાતન ધર્મ જાગરણના પવિત્ર ઉદેશ્યથી શ્રી હરિઓમ ગૌશાળા-ગૌહોસ્પિટલના આંગણે 1લી ડિસેમ્બર, 2025થી “અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ”નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ મહોત્સવ પાટણ જિલ્લામાં પ્રથમવાર આવી વિશાળ ધર્મસાંસ્કૃતિક ઉજવણી તરીકે યોજાઈ રહ્યો છે, જે ગૌસેવા, ભાગવત કથા અને લોકસંસ્કૃતિના સંગમરૂપ છે.

મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે, વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખારવિંદથી શ્રીમદ્ ભાગવત કથાનું પાવન વાચન થશે. કથા 1 ડિસેમ્બરથી આરંભ થશે અને હજારો ભાવિકો માટે આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બનશે.

વધુમાં આસપાસના ગામોમાં પ્રચાર કરવા અને વધુમાં વધુ લોકો જોડાઈ શકે તે હેતુથી છેલ્લા આશરે 1500 ગામમાં રથ ફરી રહ્યો છે આ રથ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવતા કાર્યક્રમમાં રોજિંદા 60થી 70 હજાર લોકો દરરોજ આવશે તેવી શક્યતા છે. ગૌધનના ઉત્થાન માટે આયોજિત આ કથા દ્વારા હાલમાં ગૌશાળાની 1600 જેટલા ગૌધનના લાભાર્થે યોજવામાં આવી છે.

આ પાવન અવસરે દેશના અગ્રગણ્ય સંતો અને મહાનુભાવોમાં શ્રી ગોવર્ધન મઠ, પુરીના જગદ્દગુરુ શંકરાચાર્ય પૂ.પૂ. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતિજી મહારાજ, શ્રીધામ વૃંદાવનના અગ્રપીઠાધીશ્વર તથા મલૂકપીઠાધીશ્વર પૂ. સ્વામી રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજ, ગૌધામ મહાતીર્થ પથમેડાના ગૌઋષી સ્વામી દત્તશરણાનંદજી મહારાજ, જગન્નાથપુરીના પરમહંસ સ્વામી પ્રજ્ઞાનંદજી મહારાજ, કલ્યાણરાયજી હવેલી, વડોદરાના ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ, વાત્સલ્યધામ, વૃંદાવનના પરમ પૂજ્ય સાધ્વી ઋતંભરાજી, જેવા ઘણા આદરણિય સંતો મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે.

ગૌસંરક્ષણ , ગૌસંવર્ધન, પંચગવ્ય વિનિયોગ, ગૌ આધારિત કૃષિ ને પ્રોત્સાહન મળે તે અર્થે આયોજિત આ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આ કથા દરમિયાન શ્રી ગૌસુરભી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સર્વપ્રથમ વખત યોજાઈ રહ્યો છે, જેનાથી સમગ્ર વાતાવરણમાં ધાર્મિક્તા અને સકારાત્મક્તા ફેલાશે.

ઉપરાંત, રાત્રિ કાળના કાર્યક્રમોમાં શ્રી કુંવરબાઈનું મામેરું કથા, અને લોકસાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરા કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો રાજભા ગઢવી, રાજદાન ગઢવી અને બિંદુ રામાનુજ પોતાની કલાની ઝલક રજૂ કરશે, જે મહોત્સવને લોકસંસ્કૃતિના ઉત્સવમાં પરિવર્તિત કરશે.

આ મહોત્સવના મનોરથી ગૌભક્ત ચેતનભાઈ રામશંકર વ્યાસ આ કાર્યક્રમના આયોજન વિશે જણાવે છે કે, “પાટણ જિલ્લામાં આ પ્રકારનું ભવ્ય આયોજન સર્વપ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. આપણા સનાતન ધર્મ અને ગૌધનના ઉત્થાન માટે ગુજરાતની ધરતી પર કરવામાં આવેલું આ આયોજન ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સમાન બની રહેશે. આ આયોજનમાં સમાજના દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે.”

હરિઓમ ગૌશાળા- ગૌ હોસ્પિટલમાં બિમાર, અશક્ત, અકસ્માતથી પીડિત ઘાયલ ગૌધનની 24 કલાક સારવાર અને સેવા કરવામાં આવે છે અને અડધી રાત્રે પણ કોઈ ગૌધનને સારવાર કે મદદની જરૂર હોય તો તેમની મદદ માટે ત્રણ એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવી છે. જે લગભગ 200 કિ.મી. સુધીના વિસ્તારોમાં સેવા આપે છે.

મહોત્સવના ઉદ્દેશો:

* ગૌશાળાના વિકાસ માટે જનજાગૃતિ
* ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન માટે સામૂહિક સહયોગ
* યુવા પેઢીને વૈદિક મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ
* નદી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ

Share This Article