નિશ્ચિત શરતો સાથે કાર્તિ ચિદંબરમને વિદેશ જવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમના પુત્ર કાર્તી ચિદંબરમને આજે કેટલીક શરતો સાથે બ્રિટન, જર્મની અને સ્પેન જવાની મંજૂરી આપી છે. આ શરતોમાં કાર્તી વિદેશની બેંકોમાં કોઇ ખાતું ખોલાવી શકશે નહી અને કોઇ ખાતું બંધ પણ કરાવી શકશે નહી.

મુખ્ય ન્યાયધિશ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડિ. વાય. ચંદ્રચૂડની ત્રણ સભ્યોની બેંચે ભ્રષ્ટાચારના મામલાઓનો સામનો કરી રહેલાં કાર્તિ ચિદંબરમને 19 થી 27 મે સુધીમાં વિદેશ જવાની અનુમતિ આપી છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, તેઓ કોઇ વિદેશની બેંકમાં ખાતું ખોલાવી શકશે નહી અને ના તો કોઇ ખાતું બંધ કરાવી શકશે તથા વિદેશમાં કોઇ સંપત્તિનો કરાર નહી કરશે. કોર્ટે કાર્તિને લેખિતમાં આશ્વાસન આપવાનો નિર્દેશ કર્યો છે કે, તેઓ તેમના પર લગાવેલી શરતોનું પાલન કરશે અને તેને પોતાની મુસાફરી અને ભારત પરત ફરવાની તારીખની વિગતોથી માહિતગાર કરાવશે.

કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું છે કે, કાર્તિને વિદેશ યાત્રાની તેની મંજૂરીનું કોઇ પણ અદાલતમાં કોઇ પણ ગુનામાં નિયમીત જામીન માટે ઉપયોગ કરાશે નહી. તેમજ કોર્ટે કહ્યું છે કે, તેમણે તપાસમાં સહયોગ કરવો પડશે અને પરત આવવા પર પોતાનો પાસપોર્ટ તપાસ એજન્સીને પરત આપવો પડશે.

Share This Article