અમરેલીના રાજુલામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ, જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદમાં ભારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે, ભાવનગર સોમનાથ હાઈવે પર પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે અને સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો છે, નેશનલ હાઇવે નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને પાણીમાં બગસરા ડેપોની બસ પણ ફસાઈ છે.

અમરેલીમાં ધાતરવડી ડેમ-2માં પાણીની આવક નોંધાઈ છે અને રાજુલામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે, ધાતરવડી ડેમ-2ના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારને સાચવેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે, આજે અમરેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે સોમવારે અમરેલી અને ગીરસોમનાથમાં જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

અમરેલીના બગસરામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, બગસરામાં છૂટા છવાયા ઝાપટારૂપે વરસાદ વરસી રહ્યો છે અને બગસરા તાલુકામાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે, કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે, અને અમરેલી જિલ્લામાં વરસાદથી નદી, નાળા છલકાયા છે, ખાંભા ગીર પંથકમાં મોડી રાતથી કમોસમી વરસાદ વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન, અડદ, ઘાસચારામાં ભારે નુકસાન, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સૌથી વધુ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન, ડાંગરનો તૈયાર પાક પલળી જતા મોટી નુકસાની, ઉત્તર ગુજરાતમાં સોયાબીન, મગફળી, કપાસને નુકસાન.

 

Share This Article