ભાવનગરમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સામે આવી રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી છે. ગુણાતીત નગરમાં ત્રણ માળની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં બિલ્ડીંગના કાટમાળ નીચે દટાઈ જતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બિલ્ડીંગ ધરાશાયી થતાં સ્થાનીકો લોકોએ ફાયર વિભાગને જાણ કરી તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્તનો શહેરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલી બિલ્ડીંગ વર્ષો જૂની હતી. ફાયર વિભાગના જવાનો હાલ કાટમાળ ખસેડી રહ્યાં છે. ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અવારનવાર જર્જરિત બિલ્ડીંગો ધરાશાયી થવાની ઘટના સામે આવે છે. પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવી જર્જરિત બિલ્ડીંગનો લઈને ક્યારે એક્શન લેવામાં આવશે તે જોવું રહ્યું.