આગામી ૫ જુન-૨૦૧૮ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી યુ.એન. દ્વારા ભારત દેશના યજમાન પદે કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે વિવિધ રાજ્યોમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાશે. ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માટે ગીર ફાઉન્ડેશનની પસંદગી કરાઇ છે. જેના દ્વારા ઉજવણીનો શુભારંભ કરાયો છે અને સાબરમતી નદી, સંત સરોવર ભાગમાં ‘પ્લાસ્ટિક પ્રદૂષણને પરાજીત કરીએ’ થીમ પર આજે પ્લાસ્ટિક સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગીર ફાઉન્ડેશનના અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક સ્વયંસેવકો એ ઉત્સાહપૂર્વક જોડાઇને પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કર્યો હતો.
ગીર ફાઉન્ડેશનની યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ વર્ષે ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ ઉજવણીના ભાગરૂપે વિવિધ જગ્યાઓ પર પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પ્રતિકાર કરવા અને લોકજાગૃતિ કેળવવા માટે દરિયાકાંઠાની સફાઇ, નદીકાંઠાની સફાઇ, લોક જાગૃતિ માટે મીની મેરેથોન જેવા લોકભાગીદારીના કાર્યક્રમો યોજવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર સંસ્થાને પોરબંદર, માંગરોળ, વેરાવળ-સોમનાથ એમ ત્રણ દરિયાકાંઠાના વિસ્તારો અને સાબરમતી નદી કાંઠાના વિસ્તારોની સફાઇ તેમજ અમદાવાદ ખાતે મીની મેરેથોન યોજાશે. આ માટે વિવિધ વિભાગો અને પ્રજાજનોને સક્રિય યોગદાન આપવા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ એ એક વિષયવસ્તુ સાથે ઉજવવામાં આવે છે જે ખાસ કરીને વિવિધ પર્યાવરણીય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. વર્ષ-૨૦૧૮ની થીમ ‘Beat Plastic Pollution’ એટલે કે ‘પ્લાસ્ટિક પ્રદૂષણને પરાજીત કરીએ’ નક્કી કરવામાં આવી છે. આપણે કેવી રીતે પ્રકૃતિના વિવિધ ઘટકોને પ્લાસ્ટિકના કચરાથી પ્રદૂષિત કરીએ છીએ તે સમજવાનો અને પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા વિશે વિચારવાના છે. યુ.એન. દ્વારા વિશ્વ પર્યાવરણ દિન વર્ષ-૨૦૧૮ની ઉજવણી ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ભારત દેશના યજમાનપદે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.