અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. દરિયામાં કરન્ટની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આજે સોમવારે તડકા વચ્ચે અચાનક જ અમદાવાદ શહેરનું વાતાવરણ પલટાયું છે અને પશ્ચિમ વિસ્તારના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ, અમરેલી, પાટણ, અરવલ્લી, કચ્છમાં પણ વરસાદ પડ્યો છે. ચાલો, જાણીએ શક્તિ વાવાઝોડાની સ્થિતિ અને વરસાદની આગાહી.
આજે સોમવારે અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન ચોકડી, જોધપુર, પ્રહલાદનગરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. નોંધનીય છે કે, શહેરમાં ગત મોડી રાત્રે પણ કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદ પડ્યો છે. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. માલપુરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ, પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.
નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ વળાંક લેતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ તથા વિવિધ મોડેલો અનુસાર આ વાવાઝોડું દરિયામાં જ સમાઇ જવાની પૂરી શક્યતા છે. આમ છતાં સૌરાષ્ટ્ર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હવળો વરસાદની આગાહી કરવામાં આવી છે.