93 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બીજીવાર, રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો મહારેકોર્ડ

Rudra
By Rudra 2 Min Read

India vs West Indies 1st Test: ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈતિહાસ રચી દીધો હતો. રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ મેચના બીજા દિવસે એક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કર્યો. ભારતના 93 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં માત્ર બીજી વાર આવું અદભુત કારનામું થયું છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે ભવ્ય જીત મેળવી હતી. આ જીતમાં રવિન્દ્ર જાડેજાનો સિંહ ફાળો હતો. પહેલા બેટિંગ અને પછી બોલિંગથી તરખાટ મચાવનાર રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના ટેસ્ટ કારિયરની છઠ્ઠી સદી ફટકારી, 176 બોલમાં 104 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 59.09ની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ પોતાની આ છઠ્ઠી ટેસ્ટ સદી દરમિયાન એવી કમાલ કરી છે, જે ભારતના 93 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ફક્ત બીજી વાર જ બન્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ઇનિંગમાં તેમણે કુલ 5 છગ્ગા ફટકાર્યા છે — અને આ બધા છગ્ગા વેસ્ટ ઈન્ડિઝના લેફ્ટ આર્મ સ્પિનર જોમેલ વોરિકનના બોલ પર આવ્યા હતા.

ભારતના ટેસ્ટ ઈતિહાસમાં આ બીજી વાર બન્યું છે કે કોઈ ભારતીય બેટ્સમેને પોતાની ઇનિંગમાં કોઈ એક ખાસ બોલર સામે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હોય. રવિન્દ્ર જાડેજા પહેલાં આ કારનામું પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યું હતું. ધોનીએ વર્ષ 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે સેન્ટ જૉન્સમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન કેરેબિયન લેફ્ટ આર્મ સ્પિનર ડેવિડ મહમ્મદના બોલ પર 6 છગ્ગા ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયાએ અમદાવાદના પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે દમદાર સ્થિતિ હાંસલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઇનિંગ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 128 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા છે. ભારતને 286 રનની લીડ મળી છે. બીજી ઇનિંગમાં વિન્ડીઝની ટીમ માત્ર 146 રન બનાવી શકી હતી. આમ ભારતે ઇનિંગ અને 140 રને મોટી જીત મેળવી હતી.

ભારત તરફથી કે.એલ. રાહુલ, ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી.

કે.એલ. રાહુલે 197 બોલમાં 100 રન બનાવ્યા

ધ્રુવ જુરેલે 125 રનની ઈનિંગ રમી

જ્યારે રવિન્દ્ર જાડેજા અણનમ 104 રન બનાવ્યાં

Share This Article