એશિયા કપમાં ભારતીય ખેલાડીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કોણ પાસ અને કોણ ફેઈલ?

Rudra
By Rudra 4 Min Read

એશિયા કપ 2025નો ખિતાબ જીતનાર ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત ફરી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમે ગ્રુપ સ્ટેજ અને પછી સુપર 4ની તમામ મેચ જીતી ફાઈનલમાં ટીમે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. તેમાં તિલક વર્મા પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો, જેણે 69 રનની અણનમ ઇનિંગ રમી. અભિષેક શર્મા ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ પ્લેયર પસંદ કરવામાં આવ્યો. તેણે ટુર્નામેન્ટમાં કુલ 314 રન બનાવ્યાં. કુલદીપ યાદવ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે 7 મેચમાં 17 વિકેટ લીધી, હાર્દિક પંડ્યાએ પણ બોલિંગમાં મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ તે બેટિંગમાં ફ્લોપ રહ્યો. સૂર્યકુમાર યાદવ પણ એક ઇનિંગને બાદ કરતા તમામ ઇનિંગમાં અસફળ રહ્યો.

ટીમ ઇન્ડિયાએ ભલે એશિયા કપ 2025 પોતાના નામે કર્યો હોય, પરંતુ ભારતીય ટીમના કેટલાક એવા ખેલાડી છે જેણે પોતાના ક્રિકેટને થોડી ધાર આપવાની જરૂર છે. એશિયા કપમાં કેટલાક સ્ટાર ક્રિકેટર સારી રીતે નિખરીને આવ્યો તો, કેટલાક પ્લેયર કંઈ ઉકાળી શક્યાં નહીં. ત્યારે આવો જાણીએ એશિયા કપમાં ટીમ ઇન્ડિયાના કેટલા ખેલાડી પાસ થયા અને કેટલા ફેઈલ.

સૂર્યકુમાર યાદવ

સૌથી પહેલા કેપ્ટનથી શરૂઆત કરીએ. એશિયા કપમાં સૂર્યકુમાર યાદવને 6 મેચોમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો. યુએઈ સામે લક્ષ્ય નાનું હોવાથી તેઓ 7 રન પર નોટઆઉટ રહ્યા. ત્યારબાદ પાકિસ્તાન સામે તેમણે 47 રનની સારી ઇનિંગ રમી, પરંતુ ત્યારબાદની 4 ઇનિંગ્સમાં તેઓ ફક્ત 18 જ રન બનાવી શક્યા. ફાઇનલમાં સૂર્યકુમારે ફક્ત 1 રન બનાવ્યો હતો.

અભિષેક શર્મા

અભિષેક એશિયા કપ 2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા. તેમણે પોતાની ઇનિંગ્સથી ખૂબ પ્રભાવ પાડ્યો. પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલા અભિષેકે સુપર-4ના ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી. જોકે ફાઇનલમાં તેઓ ફક્ત 5 રન બનાવી શક્યા હતા. તેમણે સુપર-4માં પાકિસ્તાન સામે 74, બાંગ્લાદેશ સામે 75 અને શ્રીલંકા સામે 61 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં તેમણે 7 ઇનિંગ્સમાં કુલ 314 રન બનાવ્યા.

હાર્દિક પંડ્યા

અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલિંગમાં પ્રભાવ પાડ્યો, પરંતુ તેમનો બેટમાં અસફળ રહ્યો. ફાઇનલમાં તેઓ ઈજા કારણે રમી શક્યો નહોતો. તે પહેલાં એશિયા કપ 2025ની 4 ઇનિંગ્સમાં તેમણે ફક્ત 48 જ રન બનાવ્યા હતા.

વરુણ ચક્રવર્તી

વરુણ ચક્રવર્તીએ એશિયા કપના 6 મેચોમાં 7 વિકેટ ઝડપી. ભલે વિકેટોની સંખ્યા ઘણી મોટી ન હોય, પરંતુ તેમનો ઈમ્પેક્ટ ખુબ મોટો રહ્યો. વરુણ ખૂબ જ કીફાયતી બોલર સાબિત થયા. શ્રીલંકા સામે તેમણે 31 રન આપ્યા હતા, જે આ ટુર્નામેન્ટમાં તેમની તરફથી આપેલા સૌથી વધુ રન હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન વરુણ દુનિયાના નંબર-1 T20 બોલર બન્યા.

તિલક વર્મા

ફાઇનલમાં તિલક વર્માએ ટુર્નામેન્ટનું પોતાની એકમાત્ર અડધી સદી ફટકારી. તે પહેલાં શ્રીલંકા સામે તેઓ 49 પર નોટઆઉટ રહ્યો હતો. સુપર-4માં પાકિસ્તાન સામે તેમણે 30 રનની સારી ઇનિંગ રમી હતી. ટુર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં તેમણે કુલ 213 રન બનાવ્યા.

કુલદીપ યાદવ

સ્પિનર કુલદીપ યાદવની ફિરકી સામે દરેક ટીમના બેટ્સમેન પરેશાન રહ્યા. કુલદીપે એશિયા કપ 2025ના પહેલા જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને ફાઇનલમાં પાકિસ્તાન સામે પણ 4 વિકેટ લીધી હતી. 7 મેચોમાં તેમણે કુલ 17 વિકેટ લીધી. કુલદીપ ટુર્નામેન્ટના સૌથી અસરકારક બોલર સાબિત થયા.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહે એશિયા કપમાં 5 મેચ રમ્યા. તેમણે પાકિસ્તાન સામે 3 મેચો સિવાય સુપર-4માં બાંગ્લાદેશ અને ગ્રુપ સ્ટેજમાં યુએઈ સામે મેચ રમ્યો હતો. 5 મેચોમાં તેમણે કુલ 7 વિકેટ લીધી. ફાઇનલમાં બુમરાહે 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

શુભમન ગિલ

ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પર આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ નજરો હતી, કારણ કે તેમના સિલેક્શનને લઈને પણ સવાલ ઉઠ્યા હતા. ઘણા ફેન્સ ઇચ્છતા હતા કે શ્રેયસ અય્યરને પસંદ કરવામાં આવે. ખેર, એશિયા કપ 2025માં શુભમન ગિલે બધા 7 મેચ રમ્યા. જેમાંથી સૌથી મોટી ઇનિંગ સુપર-4માં પાકિસ્તાન સામે હતી, જ્યાં તેમણે 47 રન બનાવ્યા હતા. તે સિવાય તેના બેટમાંથી ખાસ રન આવ્યાં નહીં. ટુર્નામેન્ટમાં તેમણે 7 મેચોમાં કુલ 127 રન બનાવ્યા.

Share This Article