નવા સચિવાલય-ગાંધીનગર ખાતે આજે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપક્રમે માનવીય અભિગમ દાખવીને ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ સાથે પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજી બાવળિયાએ માતાજીની આરતીનો લાભ લીધો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં માં શક્તિની ઉપાસનાથી નવી ઊર્જા પલ્લવતિ થાય અને તે ઊર્જા દિવાળીથી લઈને નવા વર્ષ સુધી કાયમ રહે છે. જરૂરિયાત મંદ નાગરિકો માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા “Dream foundation, Ahmedabad”ને આ ઉત્સવનો ભાગ બનાવીને આપણા ઘરમાં રહેલી બિન ઉપયોગી ઘરગથ્થું વપરાશની વસ્તુઓ, કપડા, રમકડા, ચોપડીઓ સહિત મોટા પ્રમાણમાં આ સંસ્થાને દાન પ્રાપ્ત થયું છે. સંસ્થા દ્વારા આ દાન અને વસ્તુઓ જરૂરિયાત મંદ સુધી પહોંચાડાશે. ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ સાથે યોજાયેલા નવરાત્રિ ઉત્સવમાં સચિવાલયના વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલા અદભૂતપૂર્વ સહયોગ અને ઉત્સાહ બદલ મંત્રીએ સૌને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા સચિવાલય ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી આયોજિત હેલ્થ ચેક અપ કેમ્પમાં ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓએ Non Communicable Disease-NCDના બીપી, ડાયાબિટીસની તપાસ કરાવી હતી. આ ઉપરાંત ૨૦ જેટલા કર્મચારીઓએ G-કાર્ડ નોંધણી કરાવી હતી. જેના થકી આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી શકશે.
આ ઉપરાંત આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તીકરણના મંત્રને ચરિતાર્થ કરવા મહિલાઓ દ્વારા દિવાળી સંદર્ભે તૈયાર કરાયેલ વિવિધ વસ્તુઓ તેમજ વિદ્યાના પુંજ સમાન બુક સ્ટોલમાંથી વિવિધ પુસ્તક ખરીદીનો લાભ ઉપસ્થિત સૌ સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ લીધો હતો.