સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ગરબાપ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે. હવે નવરાત્રી પર્વને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે. જોકે, ખેલૈયાઓ અને માઈ ભક્તો નવરાત્રિ પર્વની તમામ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકે તે માટે શેરી ગરબા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. “શેરી ગરબા” આ વર્ષે તેમના ગરબા સિટીના પ્રાર્થના ઉપવન ખાતે આશરે 2 લાખ સ્કેવર ફૂટની જગ્યામાં 30 હજાર લોકો રમી શકે તેવી તૈયારી સાથે આવી રહ્યાં છે. “શેરી ગરબા”માં આ વખતે ગામડાની થીમ પર લીંપણ વાળા ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. સાથે પ્રાર્થના ઉપવન જેવી વિશાળ જગ્યામાં “શેરી ગરબા” વિવિધ વેરાઈટીના ગરબા સાથે 3 સ્ટેજ લઈને આવી રહ્યાં છે. જેમાં એક સ્ટેજ વિલેજની થીમને આધારીત, બીજો કલાકારોનો સ્ટેજ જ્યા ગુજરાતના સુપ્રસિદ્વ કલાકારો આવીને માતાજીના ગરબા ગાશે. અને ત્રીજા સ્ટેજની વાત કરીએ તો આ સ્ટેજ પર ટેક્નો ગરબા થવા જઈ રહ્યાં છે, જે ગરબા લવર્સ માટે એક યુનિક ગરબા રહેશે, સાથે આ ટેકનો ગરબામાં ખેલૈયાઓને ઝુમાવવા સુપ્રસિદ્ધ નેશનલ અને ઈન્ટરનેશલ કલાકારો દ્વારા ખેલૈયાઓને એનર્જેટિક ગરબા પણ રમાડવામાં આવશે.
“શેરી ગરબાના” મુખ્ય આયોજક કુંતલ પટેલ, જય જોશી, જયમીત શાહ છે. “શેરી ગરબા”ના મહત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, પહેલા શેરીઓમાં જે ગરબા થતા હતા તે લુપ્ત ન થઈ જાય તેમજ તમામ વર્ગના લોકો શેરી સ્ટાઈલમાં ગરબા રમી શકે તે માટે અમે શેરી ગરબાનું આયોજન કર્યું છે. આ વખતે શેરી ગરબા 51 શક્તિપીઠની થીમ પર પણ તૈયાર કરી છે. આ ઉપરાંત નરેશ બારોટની શરણાઈ અને ઢોલની મંડળી તેમના યુનિક ગરબા સાથે ખેલૈયાઓને ઝુમાવશે. આ ઉપરાંત બોપલ ખાતે આવેલા વિશાળ પ્રાર્થના ઉપવન પર 7 હજાર જેટલા વિશાળ પાર્કિંગની સુવીધા સાથે એક ગામડાની થીમ પર ગરબા તૈયાર કર્યા છે. જેમાં અમારી CSR એક્ટિવીટીમાં કોઈપણ લોકો “શેરી ગરબા”થી વંચીત ન રહી જાય તેની તમામ તૈયારી કરી છે. જેમાં કોલેજની 21 હજાર દિકરીઓને અમે પાસ આપીને શેરી ગરબામાં આમંત્રણ આપ્યું છે. સાથે નવરાત્રિમાં 9 દિવસ ખડેપગે ઉભા રહેતા અમદાવાદ શહેરના એ તમામ કર્મચારીઓ માટે તેમના પરિવાર સાથે ગરબા કરવા અમે પાસ આપીને “શેરી ગરબા”માં આમંત્રણ આપ્યું છે.