સામાન્ય રીતે લોકોના મોઢે આ કહેવત તો સાંભળી હશે કે, તમે પૈસાથી કંઈ પણ ખરીદી શકો છો, પરંતુ કોઈનો આત્મા નહીં! હવે આ કહેવત પણ ખોટી સાબિત થઈ ગઈ છે કેમ કે એક વ્યક્તિએ રશિયામાં એક છોકરીનો આત્મા ખરીદ્યો છે, અને તેને બદલામાં 33 કરોડ આપ્યા છે. હવે તે વ્યક્તિ માટે ચિંતાની વાત તો એ છે કે આ આત્માનું તે શું કરશે.
ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, રશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે સ્થાનિક મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી બધાનું ધ્યાન ખેંચ્યું છે. એક મહિલાએ પોતાનો “આત્મા” વેચીને $4 મિલિયન (આશરે રૂ. 33 કરોડ) કમાયા હોવાના અહેવાલ છે, જે પૈસાથી રમકડાનો સંગ્રહ અને કોન્સર્ટ ટિકિટ ખરીદી હતી. અહેવાલો અનુસાર દિમિત્રી (Dmitri) નામના એક વ્યક્તિએ રશિયન સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Vkontakte પર મજાકમાં પોસ્ટ કરી હતી કે તે કોઈનો આત્મા ખરીદવા માંગે છે. શરૂઆતમાં લોકોને લાગ્યું કે તે મજાક છે, પરંતુ ટૂંક સમયમાં આ કેસ વાસ્તવિક સાબિત થયો.
કરીના નામની એક મહિલાએ આ ઓફર સ્વીકારી. આશ્ચર્યજનક રીતે બંને વચ્ચે લોહીથી લખાયેલ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. થોડા દિવસો પછી દિમિત્રીએ આ લોહીથી રંગાયેલા કરારનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં કેપ્શન હતું, “મેં હમણાં જ મારો પહેલો આત્મા ખરીદ્યો. આ કરાર લોહીથી હસ્તાક્ષરિત થયો હતો. હું પોતાની જાતને ડેવી જોન્સ જેવી અનુભવું છું.” કરીનાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેને પોતાનો આત્મા વેચવાનો કોઈ અફસોસ નથી. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તેને લોકોના મંતવ્યોની કોઈ ચિંતા નથી. તેના મતે પૈસા સીધા તેના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા અને પછી તેણે લાબુબુ ડોલનું કલેક્શન અને જાણીતા સિંગર નાદેઝ્ડા કાદિશેવાના કોન્સર્ટની ટિકિટ ખરીદી.
બીજી બાજુ દિમિત્રી કહે છે કે તેણે આ ઓફર મજાક તરીકે કરી હતી અને તેને કોઈ અપેક્ષા પણ નહોતી કે કોઈ પણ મહિલા ખરેખર તેની આ ઓફર સ્વીકારશે. હવે આને લઈને ખબર નથી પડી રહી કે તેણે ખરીદેલી આત્માનું તે શું કરશે. જો કે આ ઘટના કોઈ હોરર ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેની ટીકા કરી, તેને શેતાની વૃત્તિઓ માટે જવાબદાર ગણાવી, જ્યારે અન્ય લોકોએ તેને સંપૂર્ણ પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો.