Indian Railway New Rules: ભારતીય રેલવેએ 1 ઓક્ટોબરથી ઓનલાઈન રિઝર્વેશન માટે IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક ફરજિયાત કર્યું છે. એટલે કે, જો તમારું આધાર લિંક નથી, તો IRCTC વેબસાઇટ અથવા એપ પર જનરલ રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશો નહીં. રેલવે મંત્રાલયે આ અંગે માહિતી આપતી એક સૂચના જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, IRCTC વેબસાઇટ અથવા એપ પર જનરલ રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટની અંદર ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. આનાથી નકલી ID, એજન્ટો દ્વારા ટિકિટનું કાળાબજાર અને બોટ્સ દ્વારા બુકિંગ પર રોક લાગશે.
1 ઓક્ટોબરથી આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, પરંતુ ભારતીય રેલવેનો એક નિયમ એવો છે, જેનાથી તમે સરળતાથી ટિકિટ બુક કરી શકો છો. જોકે, 80 ટકા લોકો આ નિયમથી અજાણ છે. જો તમારું આધાર લિંક નથી, તો આ નિયમ જાણવો તમારા માટે જરૂરી છે. હાલમાં દરરોજ 2.3 કરોડ લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે. આમાંથી લગભગ 20 ટકા લોકો રિઝર્વેશન કરાવીને મુસાફરી કરે છે, જ્યારે બાકીના લોકો જનરલ ટિકિટ અથવા MST (માસિક સીઝન ટિકિટ)થી ટ્રેનોમાં મુસાફરી કરે છે.
તાજેતરમાં, તત્કાલ ટિકિટ બુક કરનારાઓ માટે આધાર ફરજિયાત કરવામાં આવ્યું છે. બુકિંગ દરમિયાન OTP વેરિફિકેશન જરૂરી બન્યું છે. હવે OTP નાખ્યા વગર બુકિંગ આગળ વધી શકતું નથી. આ ઉપરાંત, સવારે 8 વાગ્યે બુકિંગ શરૂ થતાં પ્રથમ 15 મિનિટ ફક્ત આધાર લિંક કરેલા યુઝર્સ જ બુકિંગ કરી શકશે. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.
ઘણા લોકો એવા છે કે, જેમનું આધાર લિંક નથી. આનાં કારણો અનેક હોઈ શકે છે, જેમ કે આધારમાં મોબાઈલ નંબર અપડેટ ન હોવો અથવા આધારમાં ભૂલ હોવી. આવા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેએ આવા લોકો માટે એક વિકલ્પ આપ્યો છે, જેના દ્વારા આધાર લિંક વગર પણ રિઝર્વેશન કરાવી શકાય છે.
ભારતીય રેલવેએ PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ)ને આ નિયમમાંથી મુક્તિ આપી છે. એટલે કે, તમે તમારી નજીકના કોઈપણ રેલવે સ્ટેશન અથવા PRS કાઉન્ટર પર જઈને આધાર વગર પણ રિઝર્વેશન કરાવી શકો છો. હાલમાં માત્ર 20 ટકા લોકો જ PRS કાઉન્ટર પર જઈને રિઝર્વેશન કરાવે છે. અહીં તમારે રિઝર્વેશન કાઉન્ટર પર ફક્ત સ્લિપ ભરીને જ આપવાની હોય છે, અને તમે રિઝર્વેશન કરાવી શકો છો.