યુવાઓને રોજગારી અને વ્યવસાયની સમાન તકો આપવા માટે સરકારે આ વર્ષના અંદાજપત્રમાં કુલ રૂ.૭૮૫ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. જેનાથી ૩.૫૦ લાખ યુવાઓને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ચાર લાખ યુવાઓને રોજગાર ભરતી મેળાના માધ્યમથી ખાનગી એકમોમાં રોજગારી ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારે યુવાઓને પગભર બનાવવા માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’ અન્વયે એક અભિનવ પહેલ કરી છે. જે યુવાનો અને યુવતીઓ એપ્રેન્ટીસ કાયદા હેઠળ આવરી લીધેલ કારખાના, હોટલો, હોસ્પિટલો, ટ્રાન્સપોર્ટ, બેન્કો, ખાણ ઉદ્યોગ, આઈ.ટી. ઉદ્યોગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ વગેરે જેવા વ્યાપક રોજગારી આપતા એકમોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાશે. તેમને જે તે કંપનીના વળતર ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એક વર્ષ સુધી પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, સ્નાતક યુવાઓને માસિક રૂ. ૩૦૦૦, ડિપ્લોમાં ધારકને માસિક રૂ.૨૦૦૦ અને અન્યોને માસિક રૂ.૧૫૦૦ આપવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારની આ સહાય ઉપરાંત જે એકમોને એપ્રેન્ટીસ એકટ અન્વયે ભારત સરકાર તરફથી માસિક રૂ.૧૫૦૦ની સહાય આપવામાં આવે છે તે પણ મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત એક લાખ યુવાઓને સહાય આપવામાં આવશે. ૧૪ વર્ષની ઉપરની ઉમરના સ્ત્રી કે પુરૂષ ઉમેદવારો એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં પણ અનુસૂચિત જાતિ માટે ૭ ટકા, અનુસૂચિત જનજાતિ માટે ૧૪ ટકા અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામતની જોગવાઈ કરાઈ છે.
એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવા માટે www.apprenticeship.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત માટે ઈ-મેઈલ એકાઉન્ટ જરૂરી છે. આ સિવાય રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ. ખાતે ઓફ-લાઇન રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી..
તાલીમનો નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ વ્યાવસાયિક તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓકટોબરમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે. કોઈ પણ ઉમેદવારો કે જે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેઓએ નજીકની આઇ.ટી.આઇ. અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.