T20 વર્લ્ડ કપ પહેલા ઑસ્ટ્રેલિયાને મોટો આંચકો, ફાસ્ટ બોલરે T20માંથી લીધો સંન્યાસ

Rudra
By Rudra 2 Min Read

ટી20 વર્લ્ડ કપ 2026 આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકામાં યોજાનાર છે, તે પહેલા ઑસ્ટ્રેલિયાને મોટો આંચકો લાગ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. સ્ટાર્કનું કહેવું છે કે, હવે ટેસ્ટ ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન આપશે, સાથે જ પોતાને 2027 વનડે વર્લ્ડ કપ માટે ફિટ રાખવા માગે છે.

મિચેલ સ્ટાર્કે ઑસ્ટ્રેલિયા માટે 5 ટી20 વર્લ્ડ કપ રમ્યા છે. માત્ર 2016નો T20 વર્લ્ડ કપ ઈજાના કારણે તેણે મિસ કર્યો હતો. વર્ષ 2021માં ઑસ્ટ્રેલિયાને પહેલીવાર ટી20 વર્લ્ડ કપ જીતવામાં તેનું મોટું યોગદાન રહ્યું છે. 35 વર્ષના સ્ટાર્કે સપ્ટેમ્બર 2012માં પાકિસ્તાન સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતુ. જ્યારે સ્ટાર્કે પોતાની છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે ગ્રોસ આઇલેટમાં રમી હતી.

મિચેલ સ્ટાર્કે કુલ 65 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 23.81ની સરેરાશથી 79 વિકેટ લીધી છે, તેની ઇકોનોમી રેટ 7.74 અને એક વાર તેણે ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી. તે ઑસ્ટ્રેલિયા માટે T20 ઇન્ટરનેશનલમાં બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પહેલા નંબર પર એડમ જામ્પાા છે. જેણે 103 T20 ઇન્ટરનેશનલમાં 103 વિકેટ લીધી છે.

મિચેલ સ્ટાર્કે કહ્યું કે, “ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા માટે સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. મેં T20 ઇન્ટરનેશનલમાં દરેક મેચનો આનંદ માણ્યો છે. ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડ કપ, કેમ કે, તેમાં ખિતાબી જીત અને ટીમ સાથે શાનદાર અનુભવ રહ્યો, આગામી સમયમાં ભારત સામે ટેસ્ટ સિરીઝ, એશેજ અને 2027 વનડે વર્લ્ડ કપ જોતા મને લાગે છે, આ યોગ્ય સમય છે. તેનાથી હું ફિટ અને ફ્રેશ રહીશ અને ટીમને પણ નવા બોલરને તૈયાર કરવાનો સમય મળશે.”

Share This Article