રાજ્ય વ્યાપી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ, કેનાલોની સફાઇ, કાંસ સફાઇ જેવા જળ સંચય અને જળ સંગ્રહના ૧૩૮૨ કામોનું જિલ્લા પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ લોકભાગીદારી, મનરેગા તેમજ વન વિભાગ દ્વારા ૬૨૧ જેટલા કામો પ્રગતિમાં છે. જ્યારે ૩૪૯ કામો પુર્ણ થયા છે. બાકીના ૪૧૨ કામો તબક્કાવાર તા.૩૧ મે સુધી પુર્ણ કરાશે. અત્યાર સુધીમાં તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન ૧,૩૪,૩૬૦ ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યું. આ માટી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો દ્વારા ખેતરોમાં પાથરી રહ્યા છે. જેના પરીણામે ખેડૂતોની જમીન ફળદ્રપ થવા સાથે પાક ઉત્પાદન વધશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૧૮ મે, ૨૦૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે શ્રમદાન કરી ગામ તળાવ ઉંડુ કરવાના કામનો પ્રારંભ કરાવશે. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે અંદાજે રૂા.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૨ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મોરવા(હડફ)માં રૂા.૭૫૩.૮૫ લાખના ખર્ચે નિર્માણ થયેલ નવીન આઇ.ટી.આઇ, સંતરોડ તથા પાધોરા ખાતે રૂા.૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગોધરા તેમજ કાલોલ ખાતે રૂા.૪૮૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ તાલુકા પંચાયત ભવન, કાલોલ તાલુકાના અલાલીમાં ગોમા નદી પર રૂા.૨૯૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ મોટા ચેકડેમ, સગણપુરા ગોમા નદી પર રૂા.૨૮૮.૭૪ લાખના ખર્ચે નિર્માણ થયેલ ચેકડેમનું લોકાર્પણ કરાશે. તેમજ ઘોઘંબામાં રૂા.૧૭૬૭.૫૯ લાખના ખર્ચે નિર્માણ થનાર ગર્લ્સ લો લીટર્સી રેસીડેન્સીયલ સ્કૂલ તથા અમૃત્ત યોજના હેઠળ ગોધરા નગરપાલિકા દ્વારા ૬૦૦ લાખના ખર્ચે નિર્માણ થનાર ગાર્ડન તથા ફૂટપાથની કામગીરીનું ખાતમૂહૂર્ત કરાશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીના વરદ હસ્તે મોરવા હડફ ખાતે રૂા.૨૩૬.૯૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ રેસ્ટ હાઉસ, શિવરાજપુરમાં રૂા.૨૩ લાખના ખર્ચે નિર્માણ થયેલ તલાવડી, ચાલવડમાં રૂા.૨૩ લાખના ખર્ચે નવીનીકરણ થયેલ વાવ, જિલ્લા પંચાયત ગોધરા ખાતે રૂા.૨૫૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ કોન્ફરન્સ હોલ તેમજ સાપાં અને હાલોલમાં રૂા.૪૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ જીમ સેન્ટરનું લોકાર્પણ અને પ્રધાનમંત્રીશ્રી ઉજ્વલા યોજના હેઠળ લાભાર્થીઓને રસોઇ ગેસકીટનું વિતરણ કરાશે.