આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC) જીરાના વેપારમાં ઊંઝાના વૈશ્વિક નેતૃત્વને કરશે ઉજાગર

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : ગુજરાત જીરું અને અન્ય મસાલાઓના બીજની નિકાસમાં અગ્રેસર છે, જે દેશની કુલ નિકાસમાં લગભગ 80%નું યોગદાન આપે છે. મહેસાણામાં સ્થિત ઊંઝા શહેરે જીરાના વેપારમાં ગુજરાતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે, જે ભારત અને વિદેશોમાં પણ જીરાનો પુરવઠો પૂરો પાડે છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, મહેસાણા જિલ્લામાંથી વિશ્વભરના 101 દેશોમાં આશરે ₹3995 કરોડના જીરા અને અન્ય મસાલાઓના બીજની નિકાસ કરવામાં આવી હતી. આ માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ચીન (25%), બાંગ્લાદેશ (16%), UAE (10%), USA (5%) અને મોરોક્કો (4%)નો સમાવેશ થાય છે.

કૃષિ મંત્રાલયના એગમાર્કનેટના ડેટા અનુસાર, 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2025 દરમિયાન ઊંઝા APMCમાં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું હતું, જે ગત વર્ષના 46,313 મેટ્રિક ટનની સરખામણીએ 17.5%નો મજબૂત વધારો દર્શાવે છે.
આ ઉપરાંત, મજબૂત સપ્લાય ચેઇન એ સુનિશ્ચિત કરે છે કે, ઊંઝા મસાલા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બની રહે, જેથી તે હજારો ખેડૂતો અને વેપારીઓને રોજગાર અને વ્યવસાયની તકો મળી રહે. 2023-24 માટેના સત્તાવાર અંદાજા મુજબ જ પ્રદેશમાં 72,100.59 મેટ્રિક ટન જીરુંનું ઉત્પાદન થયું હતું. આમાં બનાસકાંઠામાં સૌથી વધુ 41,800.73 મેટ્રિક ટન અને પાટણ 29,900.09 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું.

જીરાના વેપારમાં ઊંઝાની સફળતા રાજ્યના “વિકસિત ગુજરાત @2047″ના વ્યાપક વિઝનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં ખેતી, પ્રોસેસિંગ અને નિકાસ ખેડૂતોની વૈશ્વિક પહોંચ સુધારવા માટે સાથે મળીને કામ કરે છે. ઊંઝા સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડતો પ્રવેશદ્વાર છે, જે વિશ્વના મસાલા ઉદ્યોગમાં ભારતનો વધતો પ્રભાવ દર્શાવે છે. આ સિદ્ધિ આગામી ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ખાતે ઉપરોક્ત મસાલા વેપાર અને કૃષિ ઉત્પાદનના વિકાસને વેગ આપશે.

Share This Article