રોમ ઓપનની ત્રણ વખતની ચેમ્પિયન મારિયા શારાપોવાએ ૧૬મી ક્રમાંકિત એશ્લે બાર્ટીને ત્રણ સેટ સુધી ચાલેલી મેચમાં ૭-૫, ૩-૬, ૬-૨થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. શારાપોવાએ આ જીત સાથે રોમ ઓપનમાં પોતાની કારકિર્દી દરમિયાન ૩૪મો વિજય મેળવ્યો હતો. મેચ જીત્યા બાદ શારાપોવાએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટ મારી કારકિર્દી માટે ખાસ છે. બીજા રાઉન્ડમાં શારાપોવાનો સામનો સ્લોવાકિયાની ડોમિનિકા સિબુલ્કોવા સામે થશે.
શારાપોવા અને સિબુલ્કોલા આ પહેલાં છ વખત ટકરાયા છે અને બંને ૩-૩ વખત જીતવામાં સફળ રહ્યા છે. બંને ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૧૪ના પ્રિ-ક્વાર્ટર ફાઇનલ બાદ પ્રથમ વખત ટકરાશે. તે વખતે શારાપોવાને સિબુલ્કોવાએ પરાજય આપ્યો હતો.
અન્ય એક મેચમાં નંબર વન ટેનિસ ખેલાડી સિમોના હાલેપે નાઓમી ઓસાકાને ૫૯ મિનિટ ચાલેલી મેચમાં ૬-૧, ૬-૦થી પરાજય આપી ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. હાલેપે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ એકતરફી દેખાવ કરતાં સતત ૧૨ ગેમ જીતી લીધી હતી. આ સાથે હાલેપે ઓસાકા સામે ઇન્ડિયન વેલ્સની સેમિફાઇનલમાં મળેલી હારનો પણ બદલો લીધો હતો.