હિમાચલ પ્રદેશમાં IMDનું રેડ એલર્ટ: ભારે વરસાદના કારણે 8 જિલ્લામાં શાળાઓ બંધ, 685 રસ્તા બંધ

Rudra
By Rudra 3 Min Read

શિમલા : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, આઠ જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૬૮૫ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રહ્યા. આ દરમિયાન, સ્થાનિક હવામાન કચેરીએ સોમવારે કાંગરા અને ચંબા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને સાવચેત રહેવા કહ્યું હતું.

ભરમૌરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપ સિંહ રાણાએ જણાવ્યું હતું કે વરસાદ અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, મણિમહેશ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

આ યાત્રા ૧૭ ઓગસ્ટે શરૂ થઈ હતી અને ૧૫ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. કાંગરા જિલ્લામાં, ભારે વરસાદ પછી વોર્ડ નંબર ૧ અને ૨ પાણીમાં ડૂબી ગયા હોવાના અને વાહનો પાણીમાં તરતા હોવાના અહેવાલો મળ્યા હતા જ્યારે હમીરપુરમાં એક તહસીલ ઓફિસમાં પાણી ઘૂસી ગયું હતું. શિમલા જિલ્લાના તુતીકાંડી વિસ્તારમાં એક ઘરનો દિવાલ ધરાશાયી થતાં તેનું જાેખમ વધ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બિલાસપુર, હમીરપુર, મંડી, કાંગરા, કુલ્લુ, ચંબા, ઉના અને સોલન જિલ્લામાં રહેણાંક સિવાયની તમામ સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ, શાળાઓ અને કોલેજાે સહિત, બંધ કરી દેવામાં આવી હતી.

છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે, વિવિધ ગામોમાં અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો છે.

કાંગરાના ડેપ્યુટી કમિશનર હેમરાજ બૈરવા દ્વારા જારી કરાયેલા આદેશમાં સાવચેતીના પગલાં તરીકે, રહેણાંક સંસ્થાઓ સિવાયની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, ટેકનિકલ સંસ્થાઓ, કોલેજાે, યુનિવર્સિટીઓ અને આંગણવાડી સોમવારે બંધ રહેશે.

આઈએમડીએ સોમવારે રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની નારંગી ચેતવણી અને ૩૧ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની પીળી ચેતવણી જારી કરી હતી. લાહૌલ અને સ્પીતિ જિલ્લાના ઊંચા વિસ્તારોમાં શિપકિલા ખાતે સિઝનની પહેલી હિમવર્ષાના અહેવાલો પણ હતા.

સોમવારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં ભૂસ્ખલન, અચાનક પૂર, વૃક્ષો ઉખડી પડવા, રસ્તાઓ પર અવરોધ અને અન્ય સંબંધિત જાેખમોનું સંભવિત જાેખમ દર્શાવવામાં આવ્યું છે, જે જીવન, મિલકત અને જાહેર સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે, એમ આદેશમાં જણાવાયું છે.

અન્ય સાત જિલ્લા વહીવટીતંત્રો દ્વારા પણ આવા જ આદેશ જારી કરવામાં આવ્યા હતા. રવિવાર સાંજથી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે જેમાં બિલાસપુર જિલ્લામાં કાહુમાં ૧૯૦.૫ મીમી, જાેતમાં ૧૫૯.૨ મીમી, બર્થિનમાં ૧૫૬.૪ મીમી, નૈના દેવીમાં ૧૪૮.૪ મીમી, ઘાઘાસમાં ૧૪૮ મીમી, બિલાસપુરમાં ૧૪૦.૮ મીમી, ભટ્ટીયાતમાં ૧૪૦.૨, માલરાવમાં ૧૨૦ મીમી, અંબમાં ૧૧૧ મીમી, આઘર ૧૧૦.૬ મીમી અને બંગનામાં ૧૦૪ મીમી વરસાદ પડ્યો છે.

Share This Article