ઇર્ષાની આગ
ઈર્ષ્યા એક પ્રચંડ આગ છે. બળતણ કેરોસીન કે પેટ્રોલથી તે ન જલતી હોવા છતાં તેની જ્વાળા અતિ પ્રચંડ અને ભયાનક હોય છે.
પરંતુ કોઈની ઈર્ષ્યા શા માટે ? બીજાનાં સુખ જોઈને અકળામણ શા માટે ? જેમ ખીલેલાં ફૂલ જોઈને તમે પ્રસન્ન બનો છો તેમ બીજાનાં સુખો અને ગુણો જોઈને પ્રસન્ન બનો. ઈર્ષ્યાળુ સામાને સફળ જુએ છે અને પોતાને નિષ્ફળ સમજે છે. સેંકડો લોકોને તેમાં શાપિત થયેલા ને વગર તાપે સળગતા જોયા છે. ઈર્ષ્યા તો અણદીઠી આગ છે. ઈર્ષ્યા તો ઝેર કરતાંય ખતરનાક છે. ઈર્ષ્યાવાળો પોતાને દુઃખે જેટલો દુઃખી નથી તેટલો બીજાને સુખે દુઃખી થાય છે. જેમ ફૂલના બાગમાં જંગલી ઘાસ ઉગતું હોય છે તેમ ઈર્ષ્યા માણસના હૃદયમાં ઉગતી જ હોય છે. ઈર્ષ્યાનો અંત હંમેશાં અધોગતિ અને વિનાશમાં જ હોય છે.
અરે! આજે તો સંતો-મહંતો અને ધર્મોના પંથોમાં અને નાત, જાત, કુટુંબો તથા સામાજિક સંસ્થાઓમાં પણ ઈર્ષ્યા એક યા બીજી રીતે સૌને પજવતી હોય છે.
ધન, સત્તા, નામ, પ્રતિષ્ઠા મેળવવાની ઘેલછા ને પૂરી કરવા પાછળ ઈર્ષ્યાની અવનવી લીલાઓ કામ કરતી હોય છે, તો આપણને પ્રશ્સ્ થશે કે ઈર્ષ્યા છે શું ?
ઈર્ષ્યા શબ્દનો અર્થ થાય છે કે, ‘અદેખાઈ કરવી,’, ‘બળી મરવું’, ‘કોઈની પ્રગતિ ન જીરવવી’ કોઈની મોટાઈ ખમી ન શકવી વગેરે અર્થ થાય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ વાણી જે વચનામૃત ગ્રંથ તેના પ્રથમ પ્રકરણના ૭૧માં વચનામૃતમાં ઈર્ષ્યાની વ્યાખ્યા કરી છે કે, ‘જેની ઉપર ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેનાથી ખમાય નહિ ને તેનું રૂડું થાય ત્યારે રાજી થવાય’ એ ઈર્ષ્યાનું લક્ષણ છે.
એક વખત ગુલાબે કાંટાને કહ્યું, ‘મને તું એ કહે કે, જે લોકો અહીંથી પસાર થાય છે તેનાં કપડાં તું શા માટે ફાડે છે ? એ કપડાં શું તને ઉપયોગમાં આવે છે?’
કાંટાએ કહ્યું, ‘કપડાં તો મારા ઉપયોગમાં આવતાં નથી. પરંતુ બીજાને કેવી રીતે નુકશાન થાય તેવું ઈચ્છે છે. ’
ઇર્ષ્યા રાખનાર ખરેખર કાંટા જેવો છે. જે પોતાને કાંઈ લાભ થાય તેનું વિચારતો નથી. પરંતુ બીજાને કેવી રીતે નુક્શાન થાય તેવું ઈચ્છે છે.
માનવી પોતાના હૃદયમાં ઈર્ષ્યા રાખીને શુધ્ધ વ્યક્તિત્વ ધરાવી શકે જ નહિ. હૃદયની શાંતિ એ તો સંતોષ ને નિર્મળ જીવનનું પ્રતિબિંબ છે. જ્યારે ઈર્ષ્યા એ સંકુચિત મનનો સડો છે.
આ સડાએ મોટા-મોટા ઋષિ મુનિઓને અને યોગેશ્વરોને પણ બાકાત રાખ્યા નથી.
નવે યોગેશ્વરો એક વખત જનક રાજાના દરબારમાં ગયા. જનક રાજાએ તેમને પ્રશ્નો પૂછ્યા. દરેકે ઉત્તર કર્યા તેમાં પ્રબુધ્ધ ઋષિએ સરળ સચોટ અને સાચો ઉત્તર કર્યો તેથી બીજા આઠે યોગેશ્વર ઝાંખાા પડી ગયા. આઠેયના મનમાં થયું જે પ્રબુધ્ધ આપણાથી આગળ નીકળી ગયા.
વળી પ્રબુધ્ધ ઋષિ જ્યારે સખામાં પ્રવચન આપતા ત્યારે આખી સભા ભરાઈ જતી. કોઈ સભામાં હલી પણ ન શકે એવી એમનામાં વાકપટુતા હતી. જેથી શ્રોતાઓ બીજા ઋષિઓના પ્રવચનમાં ખાસ હાજર ન રહે પણ પ્રબુદ્ધ ઋષિનું પ્રવચન ક્યારેય ચૂંકે નહીં. આથી આઠેય ઋ।ઓ ઇર્ષ્યાની આગમાં હળવા લાગ્યા તેથી એત દિવસ આઠે ઋષિઓ ભેગા થઇને પ્રબુદ્ધ ઋષિને ગાંસડીમાં બાંધીને કૂવામાં નાંખવા ચાલ્યા. ત્યારે પ્રબુદ્ધ ઋષિ બોલ્યાઃ ‘મારો વાંક શું તે તો કહો? ’
ત્યારે બધા કહે, `તમારામાં સર્વે આંકર્ષાઇ જાય છે એટલે અમારી પાસે કોઇ આવતું નથી તેથી અમારું અપમાન થાય છે.’ પછી પ્રબુદ્ધે કહ્યું કે `એકવાર મને માફ કરો. હવે હું સભામાં વાતો નહિ કરૂં’ પછી આમ કહ્યું ત્યારે તે જીવતા રહ્યા.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ સ્વામીબાપાએ માટે જે કહ્યું છે કે,
ગાતું હોય કોઇ ગુણ હરિના, તો તેના તાલ તું તોડીશ મા;
એની સાથે તું પણ ગાજે, જીવન તારું બગાડીષ મા.
કોઇ ભગવાનના ગુણ હોય તો, આપણે રાજી થવું જોઇએ. પરંતુ તેને વિધ્ન કરી દોષમાં પડવું ન જોઇએ.
ઇર્ષ્યાની આગ શું નથી કરતી? એક યોગેશ્વરને મારવાના ઉપાય કરે…. અરે ! આ આગ જેના હૃદયમાં હોય તે તો ભગવાનને પણ મારવાના ઉપાય કરે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા ગામે કાયમ નિવાસ કરીને રહેતા હતી. આ ગામમાં તેમના અનન્ય આશ્રિત એક દાદાખાચર અને બીજા જીવાખાચર. શ્રી સ્વામિનારાયણ ભગવાન દાદાખાચરના ઘરે રહે એટલે ઉત્સવ, સામૈયા પણ ત્યાં થાય. સંતો-હરિભક્તો પણ ત્યાં રોકાય અને અલૌકિક આનંદમાં સૌ ગરકાવ બને. દાદાખાચરના ઘરે ભગવાન રહે એચલે વાહ-વાહ પણ દાદાખાચરની થાય તેથી જીવખાચર ઇર્ષ્યાની આગમાં એક દિવસ ન કરવાનું કાર્ય આદર્યું.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પરોઢિયે દિશાએ ગયા ત્યારે તલવાર લઇને રામાખાચરને મારવા માટે પૈસાની લાલચ આપીને મોકલ્યા. સંડાસમાં જઇ રામાખાચર આ કાર્ય કરવા માટે સંતાયા. પરંતુ આ તો ભગવાન છે, અંતર્યામી છે. એ જ દિવસે ભગવાને પોતાના અંગત સેવક ભગુજી પ્રાર્ષદને કહ્યું તમે દિવો લઇને જાવ તપાસ કરો. અંદર જઇને જ્યાં તેમણે જોયું તો રામાખાચર ઉઘાડી તલવાર લઇને ભગવાનને મારવા માટે ઉભા હતા. ભગુજીએ પકડીને બહાર કાઢ્યા અને તેમને મારવી લીધા ત્યારે તેમણે કબૂલ કર્યું કે જીવાખાચરે પૈસાની લાલચ આપી માટે મેં આ અપકૃત્ય કર્યું છે. ક્ષમાના સાગર શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમને હેમખેમ જવા દીધા.
કંચન તજવો સ્હેલ હૈ, સ્ત્રીયા તજવી સ્હેલ;
આપ બડાઈ ને ઇર્ષા, તે તજવું મુશ્કેલ.
ખરેખર જ્યારે ઈર્ષ્યાની આગ બૂઝાય પછી જ માનવતાનો હિમાળો રચી શકાય છે. `જીવો અને જીવવા દો’ની નીતિ આપણામાં આવે તો જ ભાઈ-ચારાનું મંદિર રચાય.
માનવ મનમાં સદગુણો પથરાય. ઠેરઠેર માનવીય તત્ત્વોના મહાલય રચાય… રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદ રેખાઓ ભૂંસાઇ જાય તો જ વિશ્વ એક્યની શણાઇના શૂર ગુંજતા સાંભળવા મળે અને `વસુધૈવ કુટુમ્બક્મ’ જોવા મળે તેમ છે.
સારું કરવું સર્વેનું, નરસાનું નહીં કામ;
એ ગુણ આવે અંગમાં, તો સફળ થાય કામ.
– શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ