જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે, ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે. હથિયારો સાથે નહીં, પરંતુ બુદ્ધિ બળે લડાઈ રહ્યું છે. આ યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું. કારણ કે તેનું કોઈ નામ નથી, ચહેરો નથી, ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન. તેઓ છે ઈન્ટેલિજન્સ ઓફિસર્સ. એવા જાસૂસો, જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી, માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે એ પણ જાણતા નથી.
નેટફ્લિક્સની પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’નું આજે પ્રીમિયર થયું. જેમાં R&AW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવવામાં આવી છે.જે દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર એક જોખમી મિશન પર જાય છે. જ્યાં એક ખોટું પગલું લાખો જીવનોને જોખમમાં મૂકી શકે છે. પણ અહીં પ્રશ્ન છે કે શું વિષ્ણુ શંકર સમય પહેલા દુશ્મનને માત આપી શકશે? સિરીઝ વિશે વિગતે વાત કરવા માટે કલાકાર પ્રતીક ગાંધી અને સન્ની હિંદુજા આજે અમદાવાદમાં હાજર રહ્યા હતા.
આ સિરીઝની વાર્તા 1970ના વર્ષની આસપાસની છે. જ્યાં એક ખોટું પગલું વૈશ્વિક પરમાણુ યુદ્ધને જન્મ આપી શકતું હતું. ‘સારે જહાં સે અચ્છા’માં ભારતની R&AW અને પાકિસ્તાનની ISI ઓફિસરો વચ્ચેના બુદ્ધિના બળે લડવામાં આવેલા યુદ્ધની કહાની દર્શાવવામાં આવી છે. વિષ્ણુનો સામનો ISI એજન્ટ મુર્તજા મલ્લિકે સાથે છે જે કોઈ મોટી વિપત્તિ વિચારીને બેઠો છે.
આ સિરીઝમાં R&AW એજન્ટ વિષ્ણુ શંકર એક ગુપ્ત પરમાણુ પ્રોગ્રામને સમય પહેલાં રોકવા માટે દુશ્મન દેશ પાકિસ્તાનમાં જાય છે. મિશન એટલું જોખમી છે કે અહીં નિષ્ફળતા એ આખા વિશ્વને જોખમમાં મુકી શકે છે. કારણ કે આ મિશન પર આખા વિશ્વનું ભવિષ્ય જોડાયેલું છે.
ગૌરવ શુક્લા દ્વારા રચિત અને બોમ્બે ફેબલ્સ દ્વારા નિર્મિત આ સિરીઝના ક્રિએટિવ પ્રોડ્યુસર ભાવેશ માંડલિયા છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રિલીઝ થયેલી આ સિરીઝ એ તમામ અજાણ્યા યોદ્ધાઓને સમર્પિત છે, જે દેશ માટે કોઈ માન-સન્માન વગર, કોઈ આરામ વગર અને કોઈ અફસોસ વગર પોતાનો જીવ જોખમમાં મુકવા હંમેશા તત્પર હોય છે.
સિરીઝમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં, પ્રતીક ગાંધી (જે વિષ્ણુ શંકરની ભૂમિકા ભજવે છે)એ જણાવ્યું કે, “હું આતુર છું કે પ્રેક્ષકો વિષ્ણુ શંકરને મળે. એક એવો વ્યક્તિ, જે પરમાણુ યુદ્ધ અટકાવવાની અણધારી જવાબદારીનો ભાર પોતાના ખભા પર ઉઠાવે છે. અને આ સિરીઝનું પ્રીમિયર મારા રાજ્ય એન મારા શહેરમાં થઈ રહ્યું છે તેનો મને ખૂબ આનંદ છે. સ્વતંત્રતા દિવસ નજીક હોવાને કારણે આ કહાની વધુ રિલેવન્ટ લાગશે. આ સિરીઝ ભારતની ઈન્ટેલિજન્સ સર્વિસિસની બહાદુરી અને સાહસને ટ્રીબ્યુટ આપે છે.”
સિરીઝમાં વિષ્ણુથી થોડા વધારે ચાલાક એવા ISI ઓફિસર મુર્તજા મલ્લિકની ભૂમિકા ભજવનારા સન્ની હિંદુજાએ પોતાના પાત્ર વિશે અને અનુભવ વિશે જણાવ્યું કે, “મુર્તજા મલ્લિકનું પાત્ર ભજવવું મારા માટે એક રોમાંચક તક હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી છે. માટે તે હંમેશાં ત્રણ પગલાં આગળનું વિચારે છે. સિરીઝના લોન્ચના દિવસે અમદાવાદમાં હાજર રહેવું એ આ ક્ષણને મારા માટે ખાસ બનાવે છે. ‘સારે જહાં સે અચ્છા’ એ એવા તેજસ્વી અને હિંમતવાન ઓફિસરની કહાનીને ઉજાગર કરે છે, જે અંધારામાં રહીને દેશની રક્ષા કરે છે. એ એવા લોકો છે જેના વિશે આપણે કદી સાંભળ્યું નથી, તેને આપણે ઓળખતા પણ નથી, પરંતુ તેઓ હંમેશાં દેશની રક્ષા કરવા માટે તત્પર રહે છે. માટે ભારત હંમેશાં એક પગલું આગળ રહેશે.”
આ સિરીઝમાં પ્રતીક ગાંધી, સન્ની હિંદુજા, સુહૈલ નય્યર, કૃતિકા કામરા, તિલોત્તમા શોમ, રજત કપૂર અને અનુપ સોની જેવા પ્રતિભાશાળી કલાકારોએ અભિનય કર્યો છે.
હકિકતમાં, ‘સારે જહાં સે અચ્છા’ સિરીઝમાં જાસૂસી ઉપરાંત જેને કોઈ ઓળખતું નથી એવા લોકોના બલિદાન, વફાદારી અને ફરજ વિશે પણ વાત કરવામાં આવી છે.