સુરત : સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક અજીબોગરીબ ઘટના બનવા પામી હતી જેમાં એક મહિલા અચાનક ૬૦ ફૂટ ઊંચા ઝાડ પર ચઢી ગઈ હતી. આ ઘટનાને કારણે સિવિલ પરિસરમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ મહિલા ક્યાં કારણસર ઝાડ પર ચઢી હતી તે કોઈને પણ ખબર ન હતી અને આ દ્રશ્ય જાેઇને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બાબતે કોલ મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મહિલાને ઝાડ પરથી નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. સિવિલ પરિસર હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને મહિલાને સહીસલામત નીચે ઉતારવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં જવાનોની બહાદુરી અને કુશળતા જાેવા મળી.
ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા મહિલાને ઝાડ પરથી નીચે ઉતાર્યા બાદ જાણવા મળ્યું કે તે માનસિક રીતે બિમાર છે. આ જ કારણોસર તે અચાનક ઝાડ પર ચઢી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના સંબંધિત વિભાગમાં ખસેડી હતી. મહિલાનું નામ કે અન્ય કોઈ વિગતો બહાર આવી નથી, પરંતુ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેની ઓળખ અને સારવાર માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે એક મોટો અકસ્માત ટળી ગયો અને મહિલાનો જીવ બચી ગયો.