રાજયમાં જીવન જીવતા વયસ્કો, વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજય સરકારે ‘‘વયસ્ક વ્યકિતની તબીબી સેવા અર્થે મુલાકાત’’ પાયલોટ પ્રોજેકટ હાલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અમલી બનાવાશે. જેના સુચારૂ આયોજન અને સફળ પરિણામોને ધ્યાને લઇ રાજયભરમાં અમલી બનાવવાનું રાજય સરકારનું આયોજન છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સારૂ જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય વધારવા તથા નવી પેઢી શિક્ષણ, વ્યવસાય માટે વતનથી દૂર સ્થળાંતર કરતી થઇ હોઇ, એકાંકી જીવન જીવતા વૃદ્ધો-વયસ્કોની સંખ્યામાં વધારો થયો હોઇ, રાજય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને આ નિર્ણય કર્યો છે. આ પાયલોટ પ્રોજેકટ હાલ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અમલી બનાવાશે. જેમાં ૭૦ કે તેથી વધુ વયના વયસ્કોને આવરી લેવાશે. આ માટે વયસ્કો/ તેમના પાલકોએ નિયત ફોર્મમાં વાર્ષિક રૂા. ૧૦૦૦ ટોકન ફી સાથે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન વખતે ઓળખપત્ર, રહેઠાણનો પૂરાવો અને ઉંમરના દાખલાની સ્વયંપ્રમાણિત નકલ પૂરી પાડવાની રહેશે.
નાયબ મુખ્યમંત્રીએ કહયું કે, આ પ્રોજેકટ હેઠળ ડોકટર, સ્ટાફનર્સ અને એટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની ગૃહ મુલાકાત દર પંદર દિવસે લઇને પ્રાથમિક તપાસણી અને સારવાર આપીને માર્ગદર્શન આપશે. આકસ્મિક સંજોગોમાં જયારે જયારે જરૂર પડશે, ત્યારે ત્યારે ગૃહ મુલાકાત લઇ સારવાર આપશે અને જરૂર પડશે તો નિદાન માટે સેમ્પલ એકઠા કરશે.આ પ્રકારની ગૃહ મુલાકાત દીઠ રૂા. ર૦૦/- ટોકન ચાર્જ લેવાશે. આ મેડીકલ ટીમ જયારે વયસ્કની ગૃહ મુલાકાત લેશે ત્યારે તેમની સાથે બી.પી.માપવાનું મશીન, ઇ.સી.જી.મશીન, ઇન્હેલર, વજન કાંટો તથા વયસ્કો માટે ઉમર સાથે સંબંધિત તકલીફો માટેની સામાન્ય દવાઓ સાથે જશે, તેથી તાત્કાલિક સારવાર સમયસર મળી રહે. લાભાર્થીઓને આ માટે કાર્ડ/બુકલેટ અપાશે, જેમાં વિઝીટીંગ ડોકટરો પોતાના ઓબ્ઝર્વેશનની કાર્યવાહી નોધ કરશે, જેથી ચેકીંગ દરમિયાન દર્દીની હિસ્ટ્રી જાણી શકાય.