માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીની રચના કરવામાં આવી છે. ગુજરાતે માર્ગ સલામતી નીતિ-૨૦૧૬ અંતર્ગત વર્ષ ૨૦૨૦ સુધી માર્ગ અકસ્માતનું પ્રમાણ ૫૦ ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેમાં નવનિયુક્ત સહાયક મોટર વાહન નિરીક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે તેમ ગાંધીનગર ખાતે ૧૪૮ સહાયક મોટર વાહન નિરીક્ષકના નિમણુંક પત્ર એનાયત સમારોહમાં વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
ઇશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમ વાર રેન્ડમાઇઝેશન સોફ્ટવેરથી નવનિયુક્ત ૧૪૮ સહાયક મોટર વાહન નિરીક્ષકને સંપૂર્ણ પારદર્શકતાથી સ્થળ નિમણૂક પત્રો આપીને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતાના દર્શન કરાવ્યા છે. આજના કોમ્પ્યુટરાઇઝ્ડ યુગમાં ઓછા વ્યક્તિઓએ વધુ કામ ચોકસાઇપૂર્વક થઇ શકે છે જેનું આજે ઉત્તમ ઉદાહરણ વાહન વ્યવહાર વિભાગે પુરુ પાડ્યું છે.
વિભાગના આધુનિકરણમાં વાહન ચાર અને સારથી ચાર સોફ્ટવેર, સોફ્ટવેર યુઝડ ફોર વ્હીકલ એનાલીસીસ સીસ્ટમ- સુવાસ, સીસ્ટમ ઇન્ટીગ્રેશન ચેકપોસ્ટ, વાહનોના પસંદગીના નંબર માટે તટસ્થ અને પારદર્શક ઓનલાઇન પ્રક્રિયા- ઇ ઓક્શન, હાઇ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ, સ્પીડ ગવર્નર અને રીફ્લેકટર, વિભાગની કચેરીઓ અને ચેકપોસ્ટનું નિર્માણ કાર્ય વગેરે નવા પ્રજાલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. વિભાગનું એક ખુબ જ મહત્વનું પાસું માર્ગ સલામતી છે. આ ઉપરાંત રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ આવકમાં ત્રીજો ક્રમ ધરાવે છે ત્યારે અકસ્માત ઘટે અને આવકમાં વૃદ્ધિ થાય તે માટે આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે તેવો અનુરોધ ઇશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
વાહન વ્યવહાર કમિશનર આર.એમ. જાદવે કહ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી આ સહાયક મોટર વાહન નિરીક્ષકની ૧૫,૦૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૬૦ ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. જે પૈકી ૧૪૮ ઉમેદવારોને આજે સંપૂર્ણ પારદર્શકતાથી એન.આઇ.સી. દ્વારા તૈયાર કરાયેલ રેન્ડમાઇઝેશન સોફ્ટવેરની મદદથી સ્થળ નિમણૂંક આપવામાં આવી છે. રાજ્યમાં ૩૯૪ મંજૂર મહેકમમાંથી સહાયક મોટર વાહન નિરીક્ષકની કુલ ૩૬૮ જગ્યાઓ ભરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત સહાયક મોટર વાહન નિરીક્ષકોએ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા, ડ્રાઇવીંગ ટેસ્ટ લેવા, રોડ પરના વાહનોનું ચેકીંગ અને એન્ફોર્સમેન્ટની કામગીરી, બિન વપરાશમાં મુકવામાં આવેલ વાહનોની ચકાસણી, કોર્ટ ડ્યુટી, જીવલેણ અકસ્માત થયેલ વાહનોની યાંત્રિક ચકાસણી વગેરે કામગીરી કરવાની રહેશે.