અમદાવાદ : શહેરમાં ઘાટલોડિયા ખાતે આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ(KFS) દ્વારા ફરી એકવાર ‘મસ્તી કી પાઠશાળા’ પ્રોગ્રામની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમે, વિદ્યાર્થીઓ અને વાલીઓને ક્લાસરૂમની બહાર આનંદદાયક અને વ્યાવહારિક શિક્ષણનો અનુભવ પ્રદાન કરવા અને તેમની સર્જનાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવા માટે એક વાઈબ્રન્ટ પ્લેટફોર્મ પુરું પાડ્યું હતું.
આ ઉજવણીની શરૂઆત મુખ્ય શિક્ષિકા દ્વારા સ્વાગત સંબોધન સાથે થઈ હતી. ત્યાર પછી, ભક્તિભાવપૂર્વક ગણેશ વંદના સાથે એક સફળ અને સુમેળભર્યા સમારોહની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં તમામ વય જૂથોને સામેલ કરવા માટે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી તૈયાર કરવામાં આવી હતી. માતા-પિતા અને બાળકોએ પૂરી ઉર્જા અને ઉત્સાહ સાથે ઝુમ્બામાં સક્રિયપણે ભાગ લીધો.
અહીં કાર્યક્રમ સ્થળે, ક્લે મોડેલિંગ અને પ્લેડોફ ફન જેવા સર્જનાત્મક કોર્નરની વ્યવસ્થાએ વિદ્યાર્થીઓમાં કલ્પના, નવીનતા અને કલાત્મક અભિવ્યક્તિ અને ફાઇન મોટર કુશળતાને પ્રોત્સાહિત કરી હતી. લુડો, ચેસ અને સાપ-સીડી જેવી પરંપરાગત બોર્ડ રમતોએ જૂની યાદો તાજા કરી હતી અને સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કર્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ, એકતાની મજબૂત ભાવના હતી. શાળા-સમુદાયની સાર્થક ભાગીદારી વિકસિત કરવાના KFS ના નિરંતર પ્રયાસોના ભાગરૂપે જ, ‘મસ્તી કી પાઠશાળા’ પ્રોગ્રામ યોજાયો હતો. આ ઊજવણી, વાસ્તવમાં, એક એવી પહેલ તરીકે ઉભરી આવી હતી, જેણે પરિવારોનું સ્વાગત કરતી વખતે પોઝિટિવ પેરેન્ટિંગ, માતાપિતા અને બાળકો વચ્ચે લાગણીસભર સમજ તથા સુમેળભર્યા સંબંધોને મજબૂતી આપી હતી.
આચાર્ય શ્રીમતી સીમા મિશ્રા દ્વારા વાલીઓને પ્રતીકાત્મક છોડ અને વિદ્યાર્થીઓને ગિફ્ટ પેક અર્પણ કરવા સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. આ ઉત્સાહવર્ધક દિવસ ખરેખર સ્મિત, હાસ્ય અને અવિસ્મરણીય ક્ષણોથી ભરેલો રહ્યો, જે કેલોરેક્સની આનંદમય, સમાવિષ્ટ અને સમુદાય-સંચાલિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.