અમદાવાદ : દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) – બોપલના ધોરણ 4 થી 7 ના વિદ્યાર્થીઓએ AHA! ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રનની છઠ્ઠી આવૃત્તિમાં એક યાદગાર અને રોમાંચથી ભરપૂર નાટ્ય અનુભવનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમ કનોરિયા આર્ટ સેન્ટર ખાતે યોજાયો હતો. આ મહોત્સવ, એ ખાસ કરીને યુવા પ્રેક્ષકો માટે રચિત નાટ્ય મહોત્સવનો વૈશ્વિક ઉત્સવ છે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ, “જોબ લેસ જોબ – એ વિમ્ઝિકલ અને ઇન્ટરેક્ટિવ ક્લોનિંગ સ્પેક્ટેકલ” નામનું મનોરંજક જોકર પ્રદર્શન હતું. આ પ્રોગ્રામ, રેડ થ્રેડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઈના પ્રખ્યાત થિયેટર કલાકારો સાગર અને શ્રીરામે અભિનય કર્યો હતો.
રંગ શંકરા – AHA, બેંગલુરુના પ્રતિષ્ઠિત બેનર હેઠળ નિર્દેર્શિત, આ અભિનવ નવીન નાટકમાં વાર્તા કહેવા માટે એક સાહસિક અને તાજગીભર્યો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. કલાકારોએ ન્યૂનતમ અંગ્રેજીનો ઉપયોગ કરીને તથા ઈશારા અને શારીરિક અભિવ્યક્તિ સાથે, પૂરા હાવભાવ, દ્રશ્યો પર આધાર રાખીને ખુબજ સુંદર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમના આ પ્રદર્શને ખરેખર, એક સ્પર્શી અને રમૂજી વાર્તા રજૂ કરી હતી, જેણે યુવાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
તેમના બેફિકર, ચિંતામુક્ત જીવનમાં એ સમયે અણધાર્યો વળાંક આવે છે, જ્યારે એક રહસ્યમય નોકરીનો પત્ર કચરાપેટીમાં પડી જાય છે, જે રમુજી અને જાદુઈ રોમાંચક સાહસોની શ્રેણી શરૂ કરે છે. જ્યારે જોકરો ચીકણા ફુગ્ગાઓથી લઈને બોક્સિંગ ગ્લોવ્સ સુધી અલગ-અલગ વિચિત્ર વસ્તુઓમાં શોધખોળ કરે છે, ત્યારે તેઓ અરાજકતા, આકર્ષણ, વશીકરણ અને આશ્ચર્યથી ભરેલા દ્રશ્યો ઉત્પન્ન કરે છે. જોકરો વચ્ચેની રમતિયાળ ચંચળ કેમિસ્ટ્રી, તેમના કોમિક ટાઇમિંગ અને વાર્તા કહેવાની પદ્ધતિએ વિદ્યાર્થીઓને ખૂબ હસાવ્યા તેમને મનોરંજન પૂરું પાડ્યું હતું. આની સાથે-સાથે તેમને જીવનમાં ચોક્કસ ધ્યેય, સહકાર, સોબત, મિત્રતા અને શોધ-સંશોધન જેવા ઊંડા વિષયો પર ચિંતન કરવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
આ યાદગાર સફરે વિદ્યાર્થીઓને ઉમદા પ્રેરણા આપી હતી. તેમના મનમાં હાસ્ય, જિજ્ઞાસા અને રંગભૂમિની દુનિયા માટે એક નવી અજાયબી, આશ્ચર્યની ભાવના ઉત્પન્ન થઈ હતી. આવા અનુભવો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સહાનુભૂતિ અને કલા પ્રત્યેની જીવનભરની લાગણીઓ જાગૃત કરે છે. જે વાસ્તવમાં, વિદ્યાર્થીઓની વર્ગખંડની બહારની શૈક્ષણિક યાત્રાને વધુ સમૃદ્ધ બનાવે છે.