ગાંધીનગર : છેલ્લા ૩–૪ દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી ૧૬ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ૪ દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જાેર દેખાશે. ગઈકાલે (૧૨ જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે (રવિવાર,૧૩ જુલાઈ) ના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
તા. ૧૪–૧૬ જુલાઈની આગાહી
હવામાન વિભાગે આગામી ૧૪–૧૫ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના ૧૦ જિલ્લામાં યલો–ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ૧૬ જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.