ગુજરાતના આ ગામમાં 20 વર્ષથી એક જ મહિલા સરપંચ, નથી યોજાતી ચૂંટણી, ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો

Rudra
By Rudra 2 Min Read

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ, એટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. વધુમાં આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ લીલાબેન પ્રતાપસિંહ મોરી ફરી વખત સરપંચ બન્યા છે.

આ અંગે મહિલા સરપંચ લીલાબેન મોરી જણાવે છે કે, તેઓ 30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પંચાયતનું કાર્ય ખૂબ સરસ ચાલે છે, તેનું મુખ્ય કારણ તેમના ગામની એકતા છે, તેમ જણાવતા લીલાબેન સહર્ષ ઉમેરે છે કે, અમારા માટે ગર્વની વાત એ પણ છે કે અમારી સમરસ ગ્રામ પંચાયત કમિટી મહિલાઓથી સંચાલિત છે. પ્રથમવાર સરપંચમાં ચૂંટાયા પછી તેમણે જે વિચાર્યું હતું તે, તેમણે કરી બતાવ્યું, તેમના બોરડી ગામને સુંદર, નિર્મળ અને ગોકુળિયું બનાવવાનો તેમનો સંકલ્પ ગ્રામજનોના સહકાર થકી પરિપૂર્ણ થયો છે, જે બદલ તેઓ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કરે છે.

તેમની 21 વર્ષની આ રોચક સફર અંગે જણાવતા તેઓ ઉમેરે છે કે, પ્રથમ ટર્મ વખતે બે ત્રણ મહિલા સદસ્યો જ પંચાયતની કમિટીમાં સામેલ હતી. ત્યાર પછી ગામના વડીલો અને ગ્રામજનોએ આ બે- ત્રણ મહિલાઓની કામગીરીને નિહાળી અને તેમને બિરદાવતા ગામના પુરુષ આગેવાનો દ્વારા અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે.

આ સાથે જ સરપંચ તરીકે તેઓ જણાવે છે કે, સરપંચ બન્યા બાદ સરકારની યોજનાઓના લાભ થકી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવ, સ્વજલધારામાંથી પાણીની ટાંકીઓ બનાવડાવી, વિવિધ આવાસ યોજનાઓનો લાભ આપી ઘર વિહોણા અથવા કાચા ઘરમાં રહેતા ગ્રામજનોને પાકી છત કરાવી છે, હવે સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાં ફરી જે વધારાની ગ્રાન્ટ મળશે તેમાંથી પણ અમારા ગામના વિકાસ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પાર પાડવાનું આયોજન છે.

આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી અને સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, વિવિધ યોજના દ્વારા તેમના ગામને તેઓ વિકાસની રાહ પર આગળ વધારવામાં સફળતાથી જે સારા પરિણામો મેળવી રહ્યા છે, તે માટે સરકારની વિવિધ યોજનાઓ મુખ્ય આધાર બની છે‌

Share This Article