NCW અને EDII સહિયોગથી મહિલા ઉદ્યોગસાહસિકતા અને સશક્તિકરણ માટે ઈન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરાયું

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: સર્વસમાવેષક વિકાસ અને આર્થિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની દિશામાં, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદે રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)ના સહયોગથી મહિલાઓ માટે એક ઈન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું, જેમાં વિજયા કે. રહાટકર, અધ્યક્ષ, રાષ્ટ્રીય મહિલા આયોગ જોડાયા હતા.

આ કાર્યક્રમ ઇડીઆઈઆઈના કેમ્પસ ખાતે યોજાયો હતો, જેમાં શિવાની ડે, ઉપ સચિવ, એનસીડબ્લ્યુ; રામાવતાર સિંહ, મુખ્ય – તાલીમ, એનસીડબ્લ્યુ અને ડો. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ પણ ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમનો એક મુખ્ય આકર્ષણ ‘યશોદા એઆઈ’ પર વર્કશોપ હતો, જે એક ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ છે જે ખાસ કરીને મહિલાઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાઇબર સિક્યોરિટી અંગે મૂળભૂત માહિતી આપવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.

વિજયા કે. રહાટકરે મહિલાઓને નેતૃત્વ માટે વધુ તક આપવા, વ્યવસાય શરૂ કરવા અને ઝડપથી બદલાતી ડિજિટલ દુનિયા સાથે તાલમેલ રાખવાની જરૂરિયાત પર વાત કરી.મહિલા ઉદ્યોગસાહસિકોને સંબોધિત કરતી વખતે શ્રીમતી રહાટકરે કહ્યું,”મહિલાઓને સશક્ત બનાવવું ફક્ત તેમને કૌશલ્ય પ્રદાન કરવું નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારવા અને તેમની માનસિકતા બદલવા વિશે પણ છે. મહિલાઓએ પોતાને સુરક્ષિત, સક્ષમ અને નેતૃત્વ માટે સજ્જ અનુભવવું જોઈએ — વ્યવસાય હોય કે ટેકનોલોજી કે રોજિંદી જીંદગી. નવીન પહેલ અને અર્થપૂર્ણ ભાગીદારી સાથે, એનસીડબ્લ્યુ મહિલાઓને ટેકનોલોજી અને નવીનતાની દુનિયામાં પગ મૂકવામાં મદદ કરી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક નવું અને ઝડપથી વિકસતું ક્ષેત્ર છે, જેમાં મહિલાઓ માટે અપાર તકાઓ અને શક્યતાઓ છે. અમારા પ્રયત્ન છે કે અમારી દીકરીઓ અને બહેનો પણ આ નવી ટેક્નોલોજીને સમજે, શીખે અને તેમાં આગળ વધે. રાષ્ટ્રીય મહિલા આયોગનો સંકલ્પ છે કે દરેક મહિલાને AIના ક્ષેત્રમાં સક્ષમ અને આત્મનિર્ભર બનાવવી, જેથી તે પણ દેશના ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.”

વર્ષ 2023-24 દરમિયાન, ઇડીઆઈઆઈ અને એનસીડબ્લ્યુએ મળીને દેશના 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 ઉદ્યમિતા જાગૃતિ કાર્યક્રમ યોજ્યા હતા, જેના થકી 5,976 મહત્વાકાંક્ષી મહિલા ઉદ્યોગસાહસિકો સુધી પહોંચ બનાવવામાં આવી હતી. આ ક્ષમતા નિર્માણ કાર્યક્રમોની સાથે, ઇડીઆઈઆઈ અને એનસીડબ્લ્યુએ વારાણસી અને ઈન્દોરમાં મહિલા સુરક્ષા ઓડિટ અંગેનો સંશોધન અભ્યાસ પણ હાથ ધર્યા હતા, જેના હેઠળ જાહેર સ્થળો અને કાર્યસ્થળે મહિલાઓના સુરક્ષા અનુભવનો આકલન કરવામાં આવ્યો હતો.

ડો. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈએ જણાવ્યું કે, “મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એનસીડબ્લ્યુના નવીન પ્રયત્નો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને નીતિઓ ઉદ્યોગસાહસિકોની એક સંશોધનાત્મક નવી પેઢીની કલ્પના કરે છે, જે જાણકારી, નવીનતા અને ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કરશે. એનસીડબ્લ્યુ અને ઇડીઆઈઆઈની સંયુક્ત પહેલ મહત્વાકાંક્ષી મહિલાઓ ઉદ્યોગસાહસિકોમાં ક્ષમતા નિર્માણ અને જ્ઞાન વૃદ્ધિ માટે ફળદાયી સાબિત થઈ છે.”

આ ઇન્ટરેક્ટિવ સત્રમાં આશરે 250 સહભાગીઓએ હાજરી આપી હતી. તેમને તેમના દ્વારા સામનો કરેલા પડકારો, તેમણે શીખેલા પાઠ અને તેમજ જણાવ્યું કે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ તેમને એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક તરીકે કેવી રીતે વિકાસ કરવામાં મદદ કરી શકે છે.

Share This Article