મેટ્રો શહેર અમદાવાદમાંથી રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે ૭ માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અમદાવાદ મ્યુનસીપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે. આ બાબતે પીડિતો દ્વારા ઉચકક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પડતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આર્ટ નિર્માણ ડેવલોપરના બિલ્ડરના ગુંડા ચાર પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે. આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઇ હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આર્ટ નિર્માણ ડેવલોપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે.
હાલ અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેના વચ્ચે સરકારે રિ-ડેવલોપમેન્ટની યોજનાને મંજૂરી આપતા અમદાવાદની ચારેય દિશામાં આજે નવી ઇમારતો ઊભી થઈ રહી છે. ૪૦થી જૂની અથવા જર્જરિત ઇમારતોને તોડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા માટે ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે. જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે, તેમજ જયાં સુધી નવું મકાન બનતું હોય ત્યાં સુધી ભાડું પણ ન ભરવું પડે. સામે રિ-ડેવલોપમેન્ટના લીધે બિલ્ડરને પણ મોટો ફાયદો થતો હોય છે. પણ અમદાવાદમાં આર્ટ નિર્માણ ડેવલોપરના બિલ્ડરે રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી ૪૦ વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટની. જેમાં ૬૬ ફ્લેટમાંથી ૬૦ ફ્લેટ બિલ્ડરે પોતાના નામે ખરીદી લીધા હતા. અને બાકી રહેલા ૪ ફલેટના માલિકોને ધમકીઑ આપીને તેમજ ગુંડાઑ મોકલીને ખાલી કરાવી દીધા હતા. આ કેસ કોર્ટ અને પોલીસમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે આ ૪ પરિવારોના મકાનો તોડી પડ્યા હતા. જેથી ચાર પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા ૪ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી એકપણ ભાડું કે કોઈ વળતર ચૂકવાયું નથી.