ICMR અને AIIMSના એક વિસ્તૃત અભ્યાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, યુવાનોમાં અચાનક થવાના મોતના કેસને કોવિડ 19 વેક્સિન સાથે કોઈ સંબંધ નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરે છે કે, યુવાઓમાં વધતા હાર્ટ એટેકના કેસને કોરોના વેક્સીન સાથે કોઈ સંબંધ નથી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના વેક્સીન અને હાર્ટ અટેક વચ્ચે કોઈ કડી મળી નથી.
આ અભ્યાસ મે અને ઓગસ્ટ 2023 વચ્ચે દેશના 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યો હતો. તેમાં એવા સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યાં હતા જેનું ઓક્ટોબર 2021થી માર્ચ 2023 વચ્ચે અચાનક મોત થઈ ગયું હતુ. અભ્યાસના પરિણામોથી ખબર પડે છે કે, કોરોના વેક્સીને યુવાનોમાં હાર્ટ એટેકેના જોખમને વધાર્યું નથી અને તેઓના અચાનક મોત પાછળ વેક્સીનને કોઈ લેવા દેવા નથી.
આ સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે દેશભરમાં યુવાઓમાં હાર્ટ એટેકથી થનાર મોત કેસ ચિંતાનો વિષય બનેલા છે. આઈસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિજીસ કન્ટ્રોલ આ અચાનક થયેલા મોત પાછળના કારણોને સમજવાની દિશામાં સતત કામ કરી રહ્યા છે. આ અભ્યાસમાં જીવનશૈલી સાથે જોડાયેલી આદતો અને પહેલાથી સ્વાસ્થ્ય સ્થિતિઓને અચાનક થયેલા મોતનું કારણ માનવામાં આવ્યું છે.