અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત ડિસેમ્બરમાં ઈઝરાયેલના પાટનગર તરીકે જેરુસલેમને માન્ય રાખીને અમેરિકી એમ્બેસી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેનો અર્થ એ થતો હતો કે અમેરિકાએ એ વિવાદિત શહેરને ઈઝરાયેલનો ભાગ ગણાવ્યું હતું. તે પછીથી આ અંગે ભારે વિરોધ શરૂ થયો હતો.
ગઈકાલે જેરુસલેમમાં અમેરિકન એમ્બેસીના ઉદ્ધાટન પહેલાં ભારે હિંસા થઈ હતી. એમ્બેસીના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ગાઝાપટ્ટી ઉપર દેખાવો થયા હતા. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગોળીબાર કર્યો હતો, જેમાં ૪૧ લોકોનો મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ દૂતાવાસ કચેરીનું ઉદ્ધાટન ૧૪મી મેએ નિર્ધારિત કર્યું હતું. એ ઉદ્ધાટનમાં વ્હાઈટ હાઉસના પ્રતિનિધિ અને ઈઝરાયેલના અધિકારીઓ હાજર રહેવાના હતા. તે પહેલાં અમેરિકન દૂતાવાસના વિરોધમાં પેલેસ્ટાઈનમાં ભારે વિરોધ ઉઠયો હતો. દૂતાવાસના વિરોધમાં પેલેસ્ટાઈનના નાગરિકોએ ગાઝાપટ્ટી ઉપર દેખાવો કર્યા હતા. દેખાવો ઉગ્ર બની ગયા હતા અને આખરે હિંસામાં પરિણમ્યા હતા.
ઈઝરાયેલી સૈન્યએ પેલેસ્ટાઈનના નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો. તેમાં ૪૧ લોકોના મોત થયા હતા અને ૧૨૦૦ કરતા વધુ લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલી સૈન્યએ બચાવમાં કહ્યું હતું કે લગભગ ૧૦ હજાર લોકો ગાઝાપટ્ટી ઉપર હિંસક વિરોધ કરીને ફેન્સિંગ તોડવાનો પ્રયાસ કરતા હતા એટલે આખરે સૈન્ય કાર્યવાહી કરવી પડી હતી. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે સરહદે જેટલા લોકો હતા એનાથી અનેક ગણા લોકો એકાદ કિલોમીટરના અંતરે રહીને ઈઝરાયેલની સુરક્ષાને નિશાન બનાવવાની તૈયારીમાં હતા. સૈન્યના કહેવા પ્રમાણે લગભગ ૪૦ હજાર લોકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હોવાથી આખરે ઈઝરાયેલી સૈન્યએ કામગીરી કરી હતી. પેલેસ્ટાઈનની સરકારે વિશ્વભરને આ મામલે હસ્તક્ષેપ કરવાનું આહ્વાહન આપ્યું હતું.