અમદાવાદઃ દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની હ્યુમેનિટીઝ ની વિદ્યાર્થીની ઈશાની દેબનાથ એ CBSE ધોરણ 12ની પરીક્ષામાં 500/500 નો સંપૂર્ણ સ્કોર પ્રાપ્ત કર્યો છે, તેણીએ અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી છે.
આ દુર્લભ સિદ્ધિના માનમાં, DPS સોસાયટીના માનનીય અધ્યક્ષ બી.કે. ચતુર્વેદી દ્વારા ઈશાનીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે તેણીને પ્રશંસાના પ્રતીક તરીકે ₹1,00,000 નો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે CBSEના ચેરમેન રાહુલ સિંહ, CBSEના સચિવ હિમાંશુ ગુપ્તા અને પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજ હાજર રહ્યાં હતા અને ઈશાનીને અભિનંદન પાઠવ્યા હતા. અધિકારીઓએ તેણીના સમર્પણ અને ખંતની પ્રશંસા કરી.
દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત તરીકે ઈશાનીને, CBSEએ તેના સત્તાવાર પોડકાસ્ટના આગામી એપિસોડમાં તેની શૈક્ષણિક સફર શેર કરવા માટે આમંત્રણ આપ્યું છે.
DPS-બોપલ, અમદાવાદે ઈશાનીની સિદ્ધિ પર ખૂબ ગર્વ વ્યક્ત કર્યો, તેણીને શિસ્ત, અભ્યાસમાં ધ્યાન અને શીખવાના જુસ્સાનું એક તેજસ્વી ઉદાહરણ ગણાવ્યું હતું.