કર્ણાટકમાં ફરી એક વખત કેસરિયો લહેરાવા જઈ રહ્યો છે. મોદી મેજિક ઉપરાંત ભાજપનુ બૂથ મેનેમજમેન્ટ અને પેજ પ્રમુખ ફોર્મ્યુલા ફરી વખત અકસીર પુરવાર થઈ છે. ભાજપ પ્રમુખ બન્યા બાદ અમિત શાહે આ ફોર્મ્યુલાનો સૌથી પહેલો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કર્યો હતો.
જેના પગલે ભાજપે લોકસભાની 80માંથી 73 બેઠકો મેળવી હતી. એ પછી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સહીત દરેક રાજયોમાં આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી હતી અને મોટાભાગના રાજ્યો ભાજપે કબ્જે કર્યા હતા. જોકે કર્ણાટકમાં તો ભાજપે એક ડગલુ આગળ વધીને હાફ પેજ ફોર્મ્યુલાનો પ્રયોગ કર્યો હતો.
જેના ભાગરૂપે 56696 પોલિંગ બુથના 4.96 કરોડ મતદારો પર પ્રભાવ પાડવા માટે 10 લાખ હાફ પેજ પ્રમુખ મુકવામાં આવ્યા હતા. દરેક હાફ પેજ પ્રમુખ પર 50 મતદારોની જવાબદારી હતી. હાફ પેજ પ્રમુખ પર પેજ પ્રમુખ અને તેની ઉપર બુથ પ્રમુખની નિમણૂંક કરાઈ હતી. બુથ પ્રમુખનુ ધ્યાન રાખવા માટે એરિયા પ્રમુખ મુકવામાં આવ્યા હતા અને તેની ઉપર ચૂંટણી પ્રભારીને નિમવામાં આવ્યા હતા.