અમદાવાદ : શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે, ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા રવિવાર, 25 મેના રોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું. આ માર્ગદર્શિત વૉકમાં 50થી વધુ સભ્યો જોડાયા, જેમણે શહેરના પ્રાચીન સ્થળો અને સમૃદ્ધ વારસાનો નજારો માણ્યો.
આ વૉકનું આરંભ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી કરવામાં આવ્યું, જે બાદ દલપત ચોક અને વિવિધ પોળોમાંથી પસાર થતા ભાગ લેનારાઓએ અમદાવાદની સમૃદ્ધ સ્થાપત્ય અને ઇતિહાસનો આરંભ અનુભવ્યો. 2.30 કલાકની આ સફર દરમિયાન, સહભાગીઓએ વૈભવી હવેલીઓ, જટિલ નકશીદાર ઈમારતો, તેમજ મુઘલ અને અંગ્રેજી શૈલીના સ્થાપત્યને નિકટથી જોયા. વૉકનો સમાપન શહેરની પ્રતિષ્ઠિત જામા મસ્જિદ ખાતે કરવામાં આવ્યો.
ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ શાહે જણાવ્યું કે, “અમારું ધ્યેય હેરિટેજ વોક દ્વારા શહેરના ઇતિહાસ અને તેના સ્થાપત્યની ભવ્યતાને જીવીને અનુભવવાની તક પૂરી પાડવું છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ઈતિહાસ અને વારસાની રક્ષાના મહત્વને ઉજાગર કરી શકીશું.”
આમ, આ યાત્રાએ સહભાગીઓને માત્ર દૃશ્ય કે સીમાચિહ્નોની મુલાકાત કરાવવાનો હેતુ નહોતો, પણ એ સુરક્ષા અને સંરક્ષણ માટેની સંવેદનશીલતા પણ વિકસાવવાનો પ્રયાસ હતો.