અમદાવાદ : અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી સ્લીપર બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી ખાઈ ગઈ હતી.
શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે રાજસમંદના કાંકરોલીમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતાં ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતાં મોતનો આંકડો વધવાની આશંકા છે. પોલીસે ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરૂદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરને ઝોકું આવવાના કારણે આ અકસ્માત થયો હતો. સ્લાપર બસ કાંકરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખૂબ જ ઝડપે પસાર થઈ રહી હતી અને તેમાં પાર્સલ ભરેલા હતા. બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી વખતે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ જેના કારણે બસ કાબૂ બહાર જતાં ડિવાઇડર સાથે અથડાઈ અને પલ્ટી ગઈ હતી.
આ અકસ્માતમાં બસમાં સૂઈ રહેલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ક્રેનની મદદથી બસને એક બાજુ ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરાયો છે. મૃતકોના સંબંધીઓને પોલીસ દ્વારા જાણ કરી દેવામાં આવી છે. ત્રણેય મૃતદેહનું પોસ્ટમોર્ટમ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવશે તેમ માહિતી મળી છે.