Ahmedabad : આજે, ભારતીય અવકાશ સંશોધન સંગઠન દ્વારા શાળાના બાળકો માટે આયોજિત “યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ – યુવિકા”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી મળેલી 98000 અરજીઓમાંથી 350 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને ગુજરાત રાજ્યોના 50 વિધાર્થીઓ 19 મે થી 30 મે, 2025 સુધી અમદાવાદના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ખાતે રહેશે. આ કાર્યક્રમમાં, યુવા વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ એપ્લિકેશન્સ વિશે માહિતી આપવામાં આવશે.
વી. નારાયણન, સચિવ-અંતરિક્ષ વિભાગ અને ચેરમેન-ઈસરોએ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરીને બાળકોને ઓનલાઈન ઉદબોધન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. નિલેશ એમ. દેસાઈ, નિદેશક-SAC, એ બાળકોને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના કાર્ય વિશે માહિતી આપી અને તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત સંશોધન/કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
આગામી 2 અઠવાડિયામાં, વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર SAC અને પીઆરએલના વરિષ્ઠ અને યુવા વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવશે. અમદાવાદના વિવિધ મુખ્ય મથકો જેમ કે SAC, PRL, CSC, કેલોરેક્સ ફાઉન્ડેશન એક્સપેરિમેન્ટ લેબ તેમજ માઉન્ટ આબુના ગુરુ શિખર ખાતેની વેધશાળાની શૈક્ષણિક મુલાકાતનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત, વિધાર્થીઓને ડ્રોન પ્રદર્શનો અને સ્વયં સંચાલિત રોકેટ લોન્ચિંગ પ્રવૃત્તિઓ જાતે કરીને તેના વ્યવહારુ ઉપયોગોથી પણ પરિચિત કરાવવામાં આવશે.
આ રીતે, “યુવિકા 2025″માં આવતા વિજ્ઞાન ઉત્સાહી વિદ્યાર્થીઓને બધા જ વિષયોનો અને અંતરિક્ષનો 360° અનુભવ આપવામાં આવશે.