પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ભારત સાથે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરી. બંને દેશો વચ્ચેના તણાવને કારણે, અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમની બંધ કરવામાં આવી હતી. હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાથી, મંગળવારે અટારી બોર્ડર પર ફરીથી રિટ્રીટ સેરેમની શરૂ કરવામાં આવી. જાેકે, પહેલા દિવસે રિટ્રીટની મુલાકાત લેનારા લોકોની સંખ્યા ૧,૦૦૦ થી ૧,૫૦૦ ની વચ્ચે હતી.
અટારી બોર્ડર પર પહોંચેલા પ્રવાસીઓએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા એટલા જાેરથી લગાવ્યા કે પાકિસ્તાની રેન્જર્સ ભારતીયોનો ઉત્સાહ જાેઈને દંગ રહી ગયા. સમારોહ દરમિયાન,બીએસએફ દ્વારા દરવાજા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. રિટ્રીટ સેરેમની દરમિયાન, પ્રવાસીઓએ બીએસએફ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા. ઓપરેશન સિંદૂર પછી, ૭ મેથી રિટ્રીટ સેરેમની બંધ કરી દેવામાં આવી હતી.
જ્યારે રિટ્રીટ સેરેમની શરૂ થઈ, ત્યારે એક તરફ ભારતીયો સંપૂર્ણ ઉત્સાહ બતાવી રહ્યા હતા. દરમિયાન, બીજી બાજુ, પાકિસ્તાની ગેલેરી સંપૂર્ણપણે ખાલી હતી. પાકિસ્તાની રેન્જર્સે પણ ઔપચારિકતા તરીકે પોતાની બાજુમાં ધ્વજ ફરકાવ્યો, પરંતુ ખાલી ગેલેરીઓની નિરાશા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
રિટ્રીટ સમારોહથી ટેક્સી ડ્રાઈવરોના ચહેરા પર ખુશી ફરી વળી. જાેકે, પહેલા દિવસે પ્રવાસીઓને લઈ જતા ફક્ત ૭૦ થી ૮૦ વાહનો જ સરહદ પર ગયા. પરંતુ હવે ટેક્સી ડ્રાઈવરો ફરી આશા રાખવા લાગ્યા છે કે બધું પહેલા જેવું સારું થઈ જશે. સિંઘ ટૂર એન્ડ ટ્રાવેલના માલિક દલજીત સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે રીટ્રીટ સેરેમની બંધ થવાને કારણે ટેક્સી ડ્રાઇવરોનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. આજે પહેલા દિવસે ટેક્સીઓ રવાના થઈ ગઈ છે. બધા આનાથી ખુશ છે. તેમણે કહ્યું કે જિલ્લામાં પાંચ હજારથી વધુ ટેક્સી ડ્રાઇવરો છે, જે દરરોજ સરહદ પર જાય છે.