વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનું એલાન કર્યું હતું, જેની અંદાજિત કિંમત 175 બિલિયન ડૉલર જણાવવામાં આવી રહી છે. ગોલ્ડન ડોમનો પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશોથી ઉત્પન્ન થતાં જોખમથી અમેરિકાનું રક્ષણ કરવાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડોમ ઈઝરાયલના આયર્ન ડોમથી અનેક ગણું મજબૂત હશે.
આ સંદર્ભે ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે અંતિમ ડિઝાઇનની પસંદગી કરી લીધી છે અને અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગ્યૂટલિનને આ પહેલના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ગોલ્ડન ડોમ મિલાઇલ ડિફેન્સ શીલ્ડ વિશે ઐતિહાસિક જાહેરાત કરી રહ્યા છીએ. રોનાલ્ડ રીગન (40માં અમેરિકન રાષ્ટ્ર પ્રમખ) તેને અનેક વર્ષો પહેલાં જ બનાવવા ઈચ્છતા હતાં. પરંતુ, તેમની પાસે ટેક્નોલોજી નહોતી. જોકે, હવે આ જલ્દી જ આપણી પાસે હશે. અમે તેને ઉચ્ચતમ સ્તરે મૂકવા જઈ રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મેં અમેરિકાના લોકોને વચન આપ્યું હતું કે, હું અમારા દેશને વિદેશી મિસાઇલના હુમલાના જોખમથી બચાવવા માટે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવીશ અને અમે આજે પણ આ જ કરી રહ્યા છીએ…‘
વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘ગોલ્ડન ડોમ આપણી માતૃભૂમિની રક્ષા કરશે. કેનેડાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ દાખવ્યો છે. જોકે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના કાર્યાલય તરફથી આ સંબંધિત કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી.‘
આ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પાસેથી આશા કરવામાં આવે છે કે, તે આવનારી મિસાઇલ વિશે જાણકારી મેળવશે, ટ્રેક કરશે અને સંભવિત રૂપેતેને રોકવા માટે સેંકડો ઉપગ્રહો પર ર્નિભર રહેશે. આ આખી સિસ્ટમ ઈઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે, પરંતુ ટ્રમ્પની આ એક મોટી યોજના છે. તેમાં સર્વેલન્સ ઉપગ્રહો અને ઇન્ટરસેપ્ટ ઉપગ્રહો બંનેનો સમાવેશ થશે જે લોન્ચ પછી તરત જ મિસાઇલોને નિશાન બનાવશે.
આ પ્રોજેક્ટની પૂર્વ તૈયારી માટે ટ્રમ્પે જાન્યુઆરીમાં એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી, જેમાં પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. ટ્રમ્પે કહ્યું કે, તમામ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવશે અને તેનો સફળતા દર લગભગ 100% છે.