નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના એક નાગરિકની આશ્રય માટેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી આવે અને વસવાટ કરી શકે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, ભારતની પોતાની વસતી ૧૪૦ કરોડથી પણ વધુ છે. તો આવી સ્થિતિમાં શું ભારત દુનિયાભરના શરણાર્થીઓનું સ્વાગત કરી શકે? આ કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરથી આવતા શરણાર્થીઓનું અમે સ્વાગત કરીએ.
સુપ્રીમ કોર્ટે આ નિવેદન સાથેજ શ્રીલંકન તમિલ યુવકને કસ્ટડીમાં લેવા મામલે દખલથી ઈનકાર કરી દીધો. શ્રીલંકન તમિલ યુવકે સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી હતી જેમાં કોર્ટે દખલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો. જસ્ટિસ દીપાંકર દત્તાના નેતૃત્વ હેઠળની બેન્ચમાં જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન પણ સામેલ હતા. શ્રીલંકન તમિલ યુવકે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેમાં કહેવાયું હતું કે ૭ વર્ષની સજા પૂર્ણ થયા બાદ તે દેશ છોડીને જતો રહે.
આ શ્રીલંકન તમિલ યુવકને યુએપીએના એક કેસમાં સાત વર્ષની સજા થઇ હતી પણ સજા પૂરી થઈ જવા છતાં તે ભારતમાં જ રહેવા માગતો હતો. તેના વકીલે કહ્યું હતું કે મારો અસીલ વિઝા લઈને ભારત આવ્યો હતો. જાે તે હવે પાછો જશે તો તેનો જીવ જાેખમમાં મૂકાશે. તેને કોઈ પણ પ્રકારની ડિપોર્ટેશનની પ્રક્રિયા વિના જ ત્રણ વર્ષ કસ્ટડીમાં રખાયો હતો.
તે બાબતે જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે તમને શું ભારતમાં વસી જવાનો કોઇ અધિકાર ખરો? તેના પર વકીલે કહ્યું કે અરજદાર એક શરણાર્થી છે અને તેના બાળકો તથા પત્ની પહેલાથી ભારતમાં રહે છે. તેના પર જસ્ટિસ દત્તાએ કહ્યું કે અરજદારને ભારત છોડવાનો આદેશ આપવામાં કોઈ પણ રીતે કલમ ૨૧નું ઉલ્લંઘન થયું નથી. આર્ટિકલ ૧૯ હેઠળ ફક્ત ભારતમાં ફક્ત ભારતીય નાગરિકોને જ રહેવાનો અધિકાર છે.