ગાંધીનગર : કોઈ પણ નાગરિકને આકસ્મિક જીવલેણ બીમારી થાય ત્યારે રાજ્ય સરકારના આયુષ્માન કાર્ડ દ્વારા નાગરિક તેની સારવાર કરાવી શકે છે. જો કોઈ નાગરિકને કેન્સર જેવી બીમારી થઈ જાય તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં કેન્સરના દર્દીઓ અને તેના સહાયકોને એક ખાસ પ્રકારની ભાડામાં છૂટછાટ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ. ટી નિગમ દ્વારા કેન્સરના દર્દીઓને રાહત દરે મુસાફરી માટે એક ખાસ સેવા આપવામાં આવી રહી છે. કેન્સરના દર્દીઓને અથવા તેમના સહાયક સાથે એસ.ટી બસમાં તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે તેઓને સામાન્ય બસ ભાડામાં 50% રાહતનો લાભ આપવામાં છે. આ યોજનાનો લાભ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ૩.૫ લાખથી વધુ કેન્સરના દર્દીઓ અને તેમના સહાયકોએ લીધો છે.
આ યોજનાનો લાભ લેવા કેન્સરના દર્દીને સાદા પેપર પર એપ્લિકેશન કરવાની રહેશે જેમાં તેને સિવિલ સર્જનનો પ્રમાણપત્ર જોડીને નજીકના એસ.ટી બસ સ્ટેશન પર આપવાનું રહેશે.